T20 વર્લ્ડકપમાં અપસેટ્સની હારમાળા, શ્રીલંકાને 2 વિકેટે બાંગ્લાદેશે કચડ્યું, સુપર-8માં પહોંચવાના ચાન્સ

June 08, 2024

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની યજમાનીમાં રમાતી ટી20 વર્લ્ડ કપ 2024 મેચમાં સતત નવા અપસેટ્સ સર્જાઈ રહ્યા છે. ટી20 વર્લ્ડ કપની 15મી મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને બે વિકેટથી હરાવી ટૂર્નામેન્ટમાં મોટો અપસેટ રચ્યો છે. ગ્રુપ ડીના રોમાંચક મુકાબલામાં જીત સાથે બાંગ્લાદેશે સુપર-8 માટે દાવેદારી નોંધાવી છે. શ્રીલંકા સતત બીજી મેચ હાર્યું છે. અગાઉ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ છ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ડલાસના ગ્રાન્ડ પ્રિયરી સ્ટેડિયમમાં રમાયેલી શ્રીલંકા અને બાંગ્લાદેશની મેચમાં બાંગ્લાદેશ ટોસ જીતી બોલિંગ લીધી હતી. શ્રીલંકાએ 20 ઓવરમાં નવ વિકેટમાં 124 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશે 19 ઓવરમાં આઠ વિકેટ પર 125 રન બનાવી 2 વિકેટથી મેચ જીતી લીધી હતી. બાંગ્લાદેશની આ ટૂર્નામેન્ટમાં પ્રથમ જીત છે.
બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી શ્રીલંકાના 125 રનના લક્ષ્યનો પીછો કરતાં બાંગ્લાદેશની શરૂઆત કઈ ખાસ રહી ન હતી. બાંગ્લાદેશનો ધનંજય ડિસિલ્વાને એક રનમાં જ પ્રથમ ઝટકો આપ્યો હતો. સૌમ્ય સરકાર ખાતુ ખોલ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા, જ્યારે તંજીદ હસનને તુષારાએ ક્લિન બોલ્ડ કર્યો હતો. નાજમુલ હસન પણ કોઈ ખાસ પ્રદર્શન આપી શક્યો નહીં. 28 રનના સ્કોર પર બાંગ્લાદેશે ચાર વિકેટ ગુમાવી હતી. ટીમના લિટ્ટન દાસ અને તૌહિદ ર્હદયી જોડીએ 63 રન બનાવ્યા હતા. 12 ઓવરમાં હસરંગાએ તૌહિદને એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો. 20 બોલમાં 40 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી તે પેવેલિયન પરત ફર્યો હતો. લિટ્ટન દાસે બે ચોક્કા અને એક સિક્સની મદદથી 36 રન બનાવ્યા હતા. આ મેચમાં શાકિબ અલ હસન આઠ, રિશાદ હુસૈન એક અને તસ્કીન અહમદ ઝીરો રન પર આઉટ થયો હતો. શ્રીલંકા માટે નુવાન તુષારાએ ચાર અને વાનિંદુ હસરંગાએ બે વિકેટ લીધી હતી. ડિસિલ્વા અને થરાના 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.