ઓવર ઇન્વોઈસિંગ દ્વારા અદાણીનો 10 હજાર કરોડનો ભ્રષ્ટાચાર: આપ

March 19, 2023

આમ આદમી પાર્ટીએ અદાણી ગ્રૂપ પર વધુ એક કૌભાંડ અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. આપના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો હતો કે અદાણીએ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વીજળીના ક્ષેત્રે 10 હજાર કરોડ કરતા વધુનું કૌભાંડ કર્યું હતું. સિંહે કહ્યું હતું કે આ ભ્રષ્ટાચારને કારણે લોકોને વીજળી મોંઘી મળી રહી છે. 2014 પહેલા અદાણીએ પોતાની છ કંપની મારફત રાજસ્થાન, મહારાષ્ટ્રના પાવર સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો.

વીજ ઉત્પાદન માટે કાર્યરત કંપનીઓ વીજ ડિસ્ટ્રિબ્યૂશન, ટ્રાન્સમિશનનું કામ કરતી અદાણીની આ કંપનીઓએ કરેલા કરાર અનુસાર વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન વગેરેનો તમામ ખર્ચ કંપની મહારાષ્ટ્ર સરકાર પાસેથી લેશે તેમજ ઉપરથી નફો કમાશે. અદાણીએ વીજ ઉત્પાદન માટે ચીન, દક્ષિણ કોરિયાથી મશીનરી, ઉપકરણો ખરીદ્યા હતા. અદાણીએ મોરેશિયસ, દુબઇથી ચીન અને દક્ષિણ કોરિયાને ઓર્ડર આપ્યા હતા. તે માટે પોતાના ભાઇ વિનોદ અદાણીની નકલી કંપનીને ઓર્ડર અપાયા હતા. અને મૂળ કિંમત કરતા અનેક ગણા વધુ દરે ઓર્ડર અપાયા હતા.