આફતાબ વિરુદ્ધ પોલીસે દાખલ કરી ચાર્જશીટ, 6629 પેજમાં જણાવ્યો શ્રદ્ધાના હત્યાનો ગુનો

January 24, 2023

દિલ્હીઃ: દિલ્હી પોલીસે શ્રદ્ધા હત્યા કેસને લઈને મંગળવારે (24 જાન્યુઆરી) નવો ખુલાસો કર્યો છે. સાકેત કોર્ટમાં 6000 પેજથી વધુની ચાર્જશીટ દાખલ કર્યા બાદ પોલીસે પત્રકાર પરિષદ કરી મહત્વની વાત કહી છે. 

દિલ્હી પોલીસના જોઈન્ટ સીપી મીનૂ ચૌધરીએ જણાવ્યું કે જે દિવસે શ્રદ્ધાની હત્યા થઈ ત્યારે તે પોતાની કોઈ મિત્રને મળવા ગઈ હતી. આરોપી આફતાબ ઈચ્છતો નહોતો કે શ્રદ્ધા કોઈ સાથે દોસ્તી કરે. આ કારણ છે કે શ્રદ્ધાની આફતાબે હત્યા કરી દીધી. તેમણે કહ્યું કે કેસમાં પહેલા આઈપીસીની કલમ 365 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં કલમ 302 પણ જોડવામાં આવી છે. 

મીનુ ચૌધરીએ જણાવ્યું કે, દિલ્હીના છતરપુરમાં શ્રદ્ધાના મૃત શરીરના કેટલાક ટુકડા મળી આવ્યા છે. તપાસમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, જીપીએસ લોકેશન પણ ડિજિટલ પુરાવા તરીકે ટ્રેક કરવામાં આવ્યા હતા. 6000 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસે 12 નવેમ્બરે આફતાબની ધરપકડ કરી હતી.

તેમણે જણાવ્યું કે શ્રદ્ધાની હત્યામાં કોઈ એક હથિયારનો ઉપયોગ થયો નથી. ઘણા અલગ-અલગ પ્રકારના હથિયારોનો ઉપયોગ થયો. અમે કેટલાક હથિયાર જપ્ત કર્યાં છે. ચાર્જશીટમાં 150થી વધુ લોકોના નિવેદન દાખલ કરવામાં આવ્યા છે.