પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ PMએ મતદારોને પાઠવી શુભેચ્છા

April 20, 2024

શુક્રવારે 19 એપ્રિલે દેશમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન થયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, દેશની 102 લોકસભા સીટો પર 60 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. હવે વોટિંગ બાદ PM મોદીએ પણ દેશની જનતાને શુભેચ્છા પાઠવી છે.

લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે. આજે લોકોએ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સહિત દેશભરના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 બેઠકો પર તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ચૂંટણીના પ્રથમ તબક્કાની સમાપ્તિ બાદ PM મોદીએ લોકોને શુભેચ્છા પાઠવી છે. PM મોદીએ દાવો કર્યો છે કે, સમગ્ર ભારતમાં લોકો રેકોર્ડ સંખ્યામાં એનડીએને વોટ આપી રહ્યા છે.

પ્રથમ તબક્કાની ચૂંટણી બાદ ભાજપે જીતનો દાવો કર્યો છે. ભાજપ સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, દેશના લોકો પ્રથમ તબક્કાની ચૂંટણીમાં PM મોદીની તરફેણમાં એકજૂટ દેખાય છે અને એક લહેર ચોક્કસપણે દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની કહેવાતી કરંટ વીજળી આઉટ થઈ ગઈ હોય તેવું લાગે છે. નફરતની દુકાનમાંથી મળેલી ચીજવસ્તુઓ કોઈ કામની રહી નથી.