વેનેઝુએલા પર હુમલા બાદ ટ્રમ્પની નવી ધમકીથી યુરોપમાં હડકંપ! ગ્રીનલૅન્ડ પર કબજો કરશે અમેરિકા?

January 05, 2026

વેનેઝુએલાના પ્રમુખ માદુરોની ધરપકડને પોતાની મોટી જીત ગણાવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ હવે યુરોપ તરફ આક્રમક બન્યા છે. ટ્રમ્પે ખુલ્લેઆમ જાહેર કર્યું છે કે અમેરિકાને ગ્રીનલૅન્ડની જરૂર છે અને તે દેશની રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે. આશ્ચર્યની વાત એ છે કે ગ્રીનલૅન્ડ એ ડેનમાર્કનો સ્વાયત્ત પ્રદેશ છે અને ડેનમાર્ક અમેરિકાનો જૂનો નાટો(NATO) સાથી છે. પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું કે, 'ગ્રીનલૅન્ડ હાલમાં 'ખૂબ જ વ્યૂહાત્મક' સ્થાને છે અને ત્યાં રશિયન તથા ચીની જહાજોની હાજરી વધી રહી છે. અમને ગ્રીનલૅન્ડ જોઈએ છે, ડેનમાર્ક તેને સંભાળી શકે તેમ નથી.' ટ્રમ્પે તો ત્યાં સુધી દાવો કરી દીધો કે યુરોપિયન યુનિયન પણ ઇચ્છે છે કે અમેરિકા ગ્રીનલૅન્ડ પર પોતાનું નિયંત્રણ મેળવે. ટ્રમ્પના આ નિવેદનથી યુરોપિયન દેશોમાં ભયનો માહોલ છે. ડેનમાર્કના પીએમ મેટે ફ્રેડરિક્સને આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, 'અમેરિકાએ તેના ઐતિહાસિક સાથીને ધમકાવવાનું બંધ કરવું જોઈએ. ગ્રીનલૅન્ડના પીએમ જેન્સ-ફ્રેડરિક નીલ્સને પણ આને અપમાનજનક ગણાવતા સ્પષ્ટ કર્યું કે, 'અમારો દેશ વેચાણ માટે નથી.' નિષ્ણાતો સમક્ષ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો ટ્રમ્પ ખરેખર ગ્રીનલૅન્ડ પર કબજો કરવાનો પ્રયાસ કરશે તો શું નાટોનું 'આર્ટિકલ 5' લાગુ થશે? આ નિયમ મુજબ, કોઈ એક સભ્ય દેશ પર હુમલો એ સમગ્ર સંગઠન પર હુમલો માનવામાં આવે છે. ડેનમાર્ક નાટોનું સભ્ય હોવાથી કોઈપણ સૈન્ય કાર્યવાહી સમગ્ર યુરોપને યુદ્ધમાં ધકેલી શકે છે. જોકે, વેનેઝુએલા પરના હુમલા સમયે વિશ્વની શાંતિ જોતા એવી આશંકા છે કે પશ્ચિમી દેશો કદાચ મૌન રહે.