ક્રેશ થયા બાદ ચાંદીની કિંમતમાં એક ઝાટકે રૂ. 12000નો વધારો! પણ ઘરેલુ માર્કેટમાં ઊંધો ટ્રેન્ડ

December 30, 2025

2025ના છેલ્લા સપ્તાહમાં સોના ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સોમવારે ભારે તેજી બાદ ચાંદીના ભાવમાં મોટો કડાકો થયો હતો. એક જ દિવસમાં ચાંદીની કિંમતમાં ₹21,500નો ઘટાડો નોંધાયો હતો. જ્યારે આજે ફરી તેજી જોવા મળી રહી છે. જોકે ઘરેલુ માર્કેટમાં બંનેની કિંમતમાં ઘટાડો નોંધાયો છે.  MCXમાં ચાંદીના ભાવમાં 12 હજાર રૂપિયાની તેજી નોંધાઈ છે. મંગળવારે MCX પર ચાંદીનો ભાવ ₹2,36,907 સુધી પહોંચી ગયો હતો. ચાંદીની સાથે સાથે સોનાના ભાવમાં પણ આજે તેજી જોવા મળી છે. MCX પર સોનાના ભાવમાં ₹1275નો ઉછાળો નોંધાયો છે. 10 ગ્રામ સોનાની કિંમત ₹1,36,217 થઈ છે.  મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જમાં ભલે સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળે. ઘરેલુ માર્કેટમાં ઊંધો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. ઘરેલુ માર્કેટમાં આજે સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન(IBJA) અનુસાર, આજે મંગળવાર, 30 ડિસેમ્બરે 24 કેરેટ સોનાના ભાવમાં ₹2119નો ઘટાડો થયો છે, જ્યારે ચાંદીના ભાવમાં ₹3973નો તોતિંગ કડાકો થયો છે.  વર્ષ 2025 સોના અને ચાંદીના રોકાણકારો માટે અત્યંત નફાકારક સાબિત થયું છે, જેમાં સોનાના ભાવમાં 76% અને ચાંદીના ભાવમાં 169% જેટલો તોતિંગ ઉછાળો જોવા મળ્યો. 31 ડિસેમ્બર, 2024ના રોજ જે સોનું ₹76,162 પ્રતિ 10 ગ્રામ હતું, તે હવે વધીને ₹1.34 લાખને પાર કરી ગયું છે, જ્યારે ₹86,017ના ભાવે મળતી ચાંદી હવે ₹2.31 લાખના સ્તરે પહોંચી ગઈ છે.  જોકે, આજના લેટેસ્ટ ભાવ (30 ડિસેમ્બર, 2025) પર નજર કરીએ તો બજારમાં ઘટાડો નોંધાયો છે; 24 કેરેટ સોનું ગઈકાલના ₹1,36,481થી ઘટીને ₹1,34,362 પર આવી ગયું છે અને ચાંદી પણ ગઈકાલના ₹2,35,440ના બંધ ભાવ સામે આજે ₹2,31,467 પ્રતિ કિલોગ્રામ પર છે.