વડાલીમાં પ્રેમલગ્ન બાદ બે સમાજ વચ્ચે ધીંગાણું, યુવકના મકાનમાં કરી તોડફોડ

December 07, 2025

વડાલી : સાબરકાંઠાના વડાલીમાં સગીરાએ પ્રેમલગ્ન કરી લેતા બે સમાજના જુથ આમને સામને આવી ગયા છે. યુવકના મકાન પર લાકડી અને પથ્થરમારો થતાં 7 થી 9 જેટલા લોકો ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઉગ્ર ધીંગાણા બાદ હાલ પરિસ્થિતિ પર પોલીસે સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો છે. 


મળતી માહિતી અનુસાર  એક સમાજના યુવકે બીજા સમાજની સગીર યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ મામલો બીચક્યો હતો. એમાં પણ યુવકના પરિવારે યુવતીને સ્વીકારવાની ના કહેતા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જે બાદ યુવતીના પરિવારના લોકોએ મળીને યુવકના મકાન પર હુમલો કર્યો હતો. મોટી સંખ્યામાં એક સમાજનું ટોળું એકઠું થઈ ગયું હતું અને ધમાલ મચાવી લાકડી અને પથ્થરો મારી બારી-બારણાં અને કાચ તોડી નાખી મકાનને મોટું નુકસાન કર્યું હતું. વાતાવરણ એટલું તંગદિલીભર્યું બની ગયું હતું કે Dysp સહિતના પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો.   હાલમાં વડાલીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સામાજિક આગેવાનો યુવતી અને યુવકના બંને પરિવારોને સમજાવટના પ્રત્યનો કરી રહ્યા છે.  ફરી હંગામો ન થાય તેની પૂરતી તકેદારી રાખવા 24 કલાક પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે