અમદાવાદ- ડોક્યુમેન્ટ બનાવી વિઝા અપાવવાના રેકેટનો પર્દાફાશ

January 28, 2023

અમદાવાદ: વિદેશ વાંછુકોના ખૂટતા ડોક્યુમેન્ટ બનાવી વિઝા અપાવવાના રેકેટનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. જેમાં બે આરોપીઓની ધરપકડ કરી સંખ્યાબંધ બનાવટી દસ્તાવેજો કબજે કર્યા છે. મહત્વનું છે કે ઝડપાયેલા બે આરોપીઓ પૈકી એક આરોપી વિરુદ્ધ અમેરિકામાં પણ ગુનો નોંધાયેલો છે.

પોલીસ કસ્ટડીમાં રહેલા બે આરોપીઓનું નામ ભાવિન પટેલ અને જસ્મીન અશોકભાઈ પટેલ છે. જે બંને ઘાટલોડિયા વિસ્તારના રહેવાસી છે. જેઓ સી જી રોડ પર આવેલા દેવપથ કોમ્પ્લેક્સ માં શાયોના હોલીડે ના નામે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નો વ્યવસાય કરે છે.પરંતુ તેની આડમાં બનાવટી દસ્તાવેજો ના આધારે ખૂટતા ડોક્યુમેન્ટ પૂરા કરી વિઝા અપાવવાનું કામ કરતા હતા. વિદેશ જવા ઈચ્છતા લોકો આ બંને આરોપી ભાવિન પટેલ અને જસ્મિન પટેલ પાસેથી દસ્તાવેજો મેળવી વિઝા મેળવતા હોવાનું સામે આવ્યું છે.

પકડાયેલ આરોપી ભાવિન પટેલની સાયોના હોલીડે માં રેડ કરી પોલીસે 39 પાસપોર્ટ, 55 જુદા જુદા બેંકોના સ્ટેમ્પ તથા કંપનીઓના સર્ટિફિકેટ,ત્રણ પેન ડ્રાઈવ, બે હાર્ડડ્રાઇડ અને બે કોમ્પ્યુટર કબજે કર્યા છે. જે તમામ દસ્તાવેજ સાચા છે કે ખોટા તેની ખરાઈ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બેંકના ડોક્યુમેન્ટ ખોટા હોવાનું સામે આવ્યું છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચ છે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે