ભારત અને રશિયા વચ્ચેના સબંધો ખરાબ કરવા અમેરિકા ભરપૂર પ્રયાસો કરી રહ્યુ છેઃ રશિયન રાજદૂત

February 11, 2024

દિલ્હી- ભારત સ્થિત રશિયન રાજદૂત ડેનિસ એલીપોવે સ્ફોટક આક્ષેપ કરતા કહ્યુ છે કે, ભારત અને રશિયા વચ્ચેના સબંધોને ખરાબ કરવા માટે અમેરિકા ભરપૂર પ્રયત્નો કરી રહ્યુ છે. એલીપોવે કહ્યુ હતુ કે, ભારત અને રશિયા લાંબા સમયથી એક બીજાના મિત્રો છે. બંને વચ્ચેની મિત્રતાનો એક શાનદાર ઈતિહાસ છે પણ અમેરિકા પ્રતિબંધોની ધમકી આપીને આ સબંધો બગાડવા માટે પ્રયત્નો કરી રહ્યુ છે. ભારતમાં રશિયામાં એક વિશ્વાસુ, ઈમાનદાર અને સારા ઈરાદાવાળા મિત્ર દેશ તરીકેની ઈમેજ છે. આ ઈમેજ ભારતની આઝાદી બાદ ભારતના આર્થિક અને સામાજીક વિકાસમાં રશિયાના ભારે યોગદાનના કારણે બની હતી.

આજે પણ આ ઈમેજ લોકોના મનમાં યથાવત છે. ન્યૂઝ એજન્સી સાથે મુલાકાતમાં એલીપોવે કહ્યુ હતુ કે, ભારત આવનારા અ્મેરિકન દૂતાવાસના અધિકારીઓ ખુલ્લેઆમ કહેતા હોય છે કે અમારુ કામ જ નવી દિલ્હીને મોસ્કોથી દૂર કરવાનુ છે. આ માટે તેઓ પ્રતિબંધોની ધમકી આપતા હોય છે. જોકે ભારતની સરકારમાં સંખ્યાબંધ એવા લોકો છે જે આ પ્રકારની ધમકીઓની પરવા કરતા નથી. રશિયન રાજદૂતે કહ્યુ હતુ કે, અમારા રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને દુનિયામાં અમે અમારા સબંધોને સતત વિસ્તારી રહ્યા છે પણ અમે પશ્ચિમના દેશોની જેમ બીજા દેશો સામે કોઈ જાતની શરતો નથી મુકતા. કોઈ દેશના ઘરેલુ મામલામાં રશિયાએ ક્યારેય હસ્તક્ષેપ કર્યો નથી અને હંમેશા પરસ્પર સન્માન જળવાય અને ભરોસો કાયમ રહે તે પ્રકારના સબંધો બનાવી રાખ્યા છે. એલીપોવે કહ્યુ હતુ કે, ભારત અને રશિયાના સબંધો વર્તમાન વર્ષમાં પણ વધારે ગાઢ અને હકારાત્મક બનશે તેવી આશા છે.