અમેરિકાએ વેનેઝુએલાને ટારગેટ કર્યું ત્યાં કિમ જોંગ ભડક્યાં, મિસાઈલ ટેસ્ટ કરી કહ્યું- પરમાણુ યુદ્ધ માટે તૈયાર

January 05, 2026

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ વેનેઝુએલામાં સખત વલણ અપનાવી રહ્યા છે, તો બીજી તરફ ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉને પણ મોટી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉત્તર કોરિયાની સરકારી મીડિયાએ સોમવારે જણાવ્યું કે, તાનાશાહ નેતા કિમ જોંગ ઉને અત્યાધુનિક હાઈપરસોનિક મિસાઈલોના પરીક્ષણનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન કિમ જોંગ ઉને જાહેરાત કરી હતી કે ઉત્તર કોરિયાની પરમાણુ શક્તિ હવે યુદ્ધ માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. પ્યોંગયાંગમાં સ્થિત તાનાશાહી સરકારે જણાવ્યું છે કે રવિવારનું મિસાઈલ પરીક્ષણ તાજેતરના ભૌગોલિક રાજકીય સંકટને કારણે અત્યંત જરૂરી બની ગયું હતું. ઉત્તર કોરિયાનો સીધો ઈશારો વેનેઝુએલામાં અમેરિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તરફ હતો. ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયા અને વેનેઝુએલા બંને દેશોમાં સામ્યવાદી સરકારો શાસન કરી રહી છે. બીજી તરફ, જાપાન અને દક્ષિણ કોરિયાએ પણ રવિવારે પુષ્ટિ કરી હતી કે તેઓએ પ્યોંગયાંગ નજીકથી બે બેલેસ્ટિક મિસાઈલો લોન્ચ થઈ હોવાનું શોધી કાઢ્યું છે. ઉત્તર કોરિયા દ્વારા આ વર્ષનું આ પ્રથમ પરીક્ષણ હતું, જે દક્ષિણ કોરિયાના નેતા લી જે મ્યુંગ શિખર સંમેલન માટે બેઇજિંગ જવા રવાના થયા તેના ગણતરીના કલાકો પહેલા જ કરવામાં આવ્યું હતું. ઉત્તર કોરિયાની સત્તાવાર ન્યૂઝ એજન્સી કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી(KCNA)એ સોમવારે હાઈપરસોનિક મિસાઈલ ટેસ્ટની વિગતો આપતા જણાવ્યું કે, આ પરીક્ષણ દ્વારા દેશની પરમાણુ શક્તિની સજ્જતા પુરવાર થઈ છે. રિપોર્ટમાં દેશના સત્તાવાર નામ 'DPRK'નો ઉલ્લેખ કરતા કિમ જોંગ ઉને દાવો કર્યો હતો કે, તેમની પરમાણુ સેનાને વાસ્તવિક જંગ માટે તૈયાર કરવામાં અને તેને મજબૂત પાયા પર સ્થાપિત કરવામાં તાજેતરમાં મોટી સફળતા મળી છે.'