ઈરાનના હુમલા વચ્ચે અમેરિકાનો ઈઝરાયલને જોરદાર ઝટકો, આ કામમાં સાથ આપવાની ચોખ્ખી ના પાડી

April 15, 2024

પશ્ચિમ એશિયા છ મહિનાથી વધુ સમયથી યુદ્ધનો માર સહન કરી રહ્યું છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ અત્યંત દયનીય છે. આ દરમિયાન, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષની શરૂઆત સાથે, પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની ગઈ છે.  વડાપ્રધાન મોદીએ ખાતરી આપી છે કે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીય લોકોની સુરક્ષા સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. એવામાં અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે "તે ઇઝરાયેલના ઈરાન સામે જવાબી કાર્યવાહી કરવાની યોજનાના પ્રયાસમાં ભાગીદાર બનશે નહી." મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂને એવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ તણાવમાં વધારો કરી શકે તેવા કોઈપણ નિર્ણય લેતા પહેલા ધ્યાનપૂર્વક વિચાર કરે. અમેરિકાના કડક વલણ વચ્ચે રશિયા અને ઈરાનનું વલણ પણ સામે આવ્યું છે. આ અહેવાલો અનુસાર, રશિયા અને ઈરાનના વિદેશ મંત્રીઓએ મધ્ય પૂર્વમાં સ્થિતિ વધુ બગડવાની ચેતવણી આપી છે.  IDFએ કહ્યું કે ગઈકાલે રાત એ વાતનો પુરાવો છે કે ઈરાન તણાવ વધારવા માંગે છે. ઈરાને ઈઝરાયેલ તરફ 350 થી વધુ બેલિસ્ટિક મિસાઈલો, રોકેટ અને આત્મઘાતી ડ્રોન છોડ્યા હતા. આ હુમલો પ્રદેશના અન્ય દેશો પર પણ થઈ શકે છે. ઈરાન માત્ર ઈઝરાયેલ માટે જ નહીં પરંતુ સમગ્ર મધ્ય પૂર્વ માટે ખતરો છે.  સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આ મામલે ઈમરજન્સી બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે. તે જ સમયે, G-7 દેશોએ ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના સીધા હુમલાની આકરી નિંદા કરી છે.