પાકિસ્તાનમાં વધુ એક સંકટ, લેમિનેશન પેપરની અછત સર્જાતા પાસપોર્ટ છપાવાનું બંધ, વિદેશ જનારાઓમાં રોષ

November 10, 2023

4000 પાસપોર્ટ બનાવતું પાકિસ્તાન હવે માત્ર 13 જેટલા જ પાસપોર્ટ બનાવવા મજબુર
પાકિસ્તાનમાં આયાત કરાતા લેમિનેશન પેપરની અછત બાદ પાસપોર્ટની કામગીરી મહદઅંશે બંધ
ઈસ્લામાબાદ- પાકિસ્તાની આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે વધુ કફોડી બની રહી છે. અહીં રોજબરોજ નવી નવી બાબતો સામે આવતી રહે છે. હવે પાકિસ્તાનમાં  લેમિનેશન પેપરની ભારે અછત સર્જાઈ છે, જેનો ઉપયોગ પાકિસ્તાની પાસપોર્ટ (Pakistan Passport)માં કરવામાં આવે છે. સામાન્યરીતે પાકિસ્તાન આ પેપરો ફ્રાન્સમાંથી આયાત કરે છે. આ લેમિનેશન પેપરોની અછતના કારણે પાકિસ્તાનમાં પાસપોર્ટ છપાવવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. એક દિવસમાં 4000 પાસપોર્ટ બનાવતું પાકિસ્તાન હવે માત્ર 13 જેટલા જ પાસપોર્ટ બનાવવા મજબુર બન્યું છે.


મીડિયા રિપોર્ટના દાવા મુજબ, પાકિસ્તાનમાં પાસપોર્ટ છાપવાની કામગીરી મહદઅંશે બંધ હાલતામાં છે, જેના કારણે વિદેશમાં જનારા લોકો રોષે ભરાયા છે. પેશાવર પાસપોર્ટ કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, પાકિસ્તાનમાં અગાઉ દૈનિક 3000થી 4000 પાસપોર્ટ બનતા હતા, જોકે હવે આ આંકડો માત્ર 12થી 13 પર પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે, પાસપોર્ટ માટે લોકોએ ઘણા મહિનાઓ સુધી રાહ જોવી પડી રહી છે.


જોકે પાકિસ્તાન ઓબ્જર્વર પોર્ટલે ગૃહ મંત્રાલયને ટાંકીને જણાવ્યું કે, પાકિસ્તાને લેમિનેશન પેપરનો ઓર્ડર આપી દીધો છે અને એક સપ્તાહમાં પાકિસ્તાનને ઓર્ડર મળી જશે. તેમાં એમ પણ જણાવાયું છે કે, વિભાગીય કાર્યલયોને નવા પાસપોર્ટની કામગીરી માટે દૈનિક 25000ની આસપાસ અરજીઓ મળી રહી છે, જોકે દેશમાં લેમિનેશન પેપરોની અછતના કારણે કામગીરીનો ભરાવો થઈ ગયો છે.