અમેરિકામાં પૂર્વ પ્રેમિકાની હત્યા કરી ભારત ભાગી આવ્યો અર્જુન, પોલીસમાં નોંધાવી ખોટી ફરિયાદ

January 05, 2026

અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં એક 26 વર્ષીય ભારતીય યુવક પોતાની પૂર્વ પ્રેમિકાની હત્યા કરીને ભારત ભાગી છૂટ્યો છે. આરોપીની ઓળખ અર્જુન શર્મા તરીકે થઈ છે, જે કોલંબિયા શહેરનો રહેવાસી છે. તપાસમાં બહાર આવ્યું છે કે જે યુવકે પોલીસને તેની એક્સ-ગર્લફ્રેન્ડ ગુમ હોવાની જાણ કરી હતી, તે જ તેનો હત્યારો હતો. ઘટનાની વિગત મુજબ, અર્જુન શર્માએ પોતે જ 2 જાન્યુઆરીના રોજ હાવર્ડ કાઉન્ટી પોલીસમાં નિકિતા ગોદિશાલા (27) ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેણે નિકિતાને છેલ્લે 31 ડિસેમ્બરના રોજ પોતાના એપાર્ટમેન્ટમાં જોઈ હતી અને ત્યારબાદ તે અચાનક ગાયબ થઈ ગઈ હતી. પોલીસ તપાસમાં એક મોટો ખુલાસો થયો કે જે દિવસે અર્જુને ફરિયાદ નોંધાવી, તે જ દિવસે એટલે કે 2 જાન્યુઆરીએ તે ફ્લાઈટ પકડીને ભારત રવાના થઈ ગયો હતો. જ્યારે 3 જાન્યુઆરીએ પોલીસે અર્જુનના એપાર્ટમેન્ટની તપાસ કરી હતી, ત્યારે ત્યાંથી નિકિતાની લાશ મળી આવી હતી. નિકિતાના શરીર પર ચપ્પુના અસંખ્ય ઘા ઝીંકવામાં આવ્યા હતા. પોલીસ તપાસ અનુસાર, આ સમગ્ર હત્યાકાંડ 31 ડિસેમ્બરની રાત્રે 7 વાગ્યા પછી શરૂ થયો હતો, જ્યારે અર્જુન શર્માએ નિકિતાની હત્યા કરી હોવાની શંકા છે. આ ગુનાને છુપાવવા માટે તેણે 2 જાન્યુઆરીએ પોલીસને નિકિતા ગુમ થઈ હોવાની ખોટી જાણ કરી, પરંતુ પોલીસ તેની ધરપકડ કરે તે પહેલા જ તે તે જ દિવસે ફ્લાઈટ પકડીને ભારત ભાગી છૂટ્યો હતો. આખરે 3 જાન્યુઆરીએ જ્યારે પોલીસે શંકાના આધારે સર્ચ વોરંટ મેળવી અર્જુનના એપાર્ટમેન્ટની તપાસ કરી, ત્યારે ત્યાંથી નિકિતાનો મૃતદેહ મળી આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.