આર્મીના જવાનો ઈન્સ્ટાગ્રામમાં ફક્ત સર્ફિંગ કરી શકશે, પોસ્ટ નહીં... ભારતીય સૈન્યએ કડક કર્યા નિયમો

December 25, 2025

ભારતીય સેનાએ બદલાતા સમય અને ટેકનોલોજીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેની સોશિયલ મીડિયા પોલિસીમાં મોટો ફેરફાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે સૈનિકો અને અધિકારીઓને ઈન્સ્ટાગ્રામ પર સર્ફિંગ કરવાની કે  મોનિટર કરવાની છૂટ અપાઈ છે. જો કે, તેઓ કોઈ પોસ્ટ નહીં કરી શકે અને કોઈ પોસ્ટ પર લાઈક, શેર અને કોમેન્ટ પણ નહીં કરી શકે.  ભારતીય સેનાના તમામ યુનિટો અને વિભાગો માટે જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ, સોશિયલ મીડિયાના ઉપયોગ અંગેના નિયમોમાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. હવે સૈનિકોને જાગૃતિ અને માહિતી મેળવવાના હેતુથી સોશિયલ મીડિયા કન્ટેન્ટ માત્ર જોવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ સુરક્ષાના કારણોસર કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવા પર પ્રતિબંધ યથાવત્ રાખવામાં આવ્યો છે એટલે કે સૈનિકો કોઈપણ પોસ્ટ કે તેના પર લાઈક, શેર કે કોમેન્ટ કરી શકશે નહીં. તાજેતરમાં ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 'ચાણક્ય ડિફેન્સ ડાયલોગ' દરમિયાન સૈનિકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું હતું કે, આજની 'જેન ઝી' સેનામાં જોડાવા માંગે છે, પરંતુ સેનાના શિસ્ત અને સોશિયલ મીડિયા વચ્ચે એક વિરોધાભાસ દેખાય છે. આના જવાબમાં જનરલ દ્વિવેદીએ કહ્યું કે, 'આ ખરેખર એક મોટો પડકાર છે. જ્યારે યુવાન કેડેટ્સ NDAમાં આવે છે, ત્યારે તેઓ સૌથી પહેલા પોતાના રૂમમાં છુપાવેલા ફોન શોધે છે. તેમને એ સમજાવતા ત્રણથી છ મહિના લાગી જાય છે કે ફોન વગર પણ જિંદગી છે.'  જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આજના યુગમાં સ્માર્ટફોન એક અનિવાર્ય જરૂરિયાત બની ગયો છે. તેમણે આગળ કહ્યું કે, 'હું સૈનિકોને સ્માર્ટફોન વાપરવાની ક્યારેય ના નથી પાડતો. આપણે મોટાભાગે ફિલ્ડમાં હોઈએ છીએ. બાળકની સ્કૂલ ફી ભરવાની હોય, માતા-પિતાની તબિયત જાણવાની હોય કે પત્ની સાથે વાત કરવાની હોય, આ બધું ફોન દ્વારા જ શક્ય બને છે.' સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપવા બાબતે આર્મી ચીફે જણાવ્યું કે, 'રિએક્ટ કરવું'(તરત જવાબ આપવો) અને 'રિસ્પોન્ડ કરવું' (વિચારીને જવાબ આપવો) એ બંને અલગ વાતો છે. તેમણે સમજાવ્યું કે, 'રિએક્ટ કરવું એટલે વગર વિચારે તરત જવાબ આપી દેવો, જ્યારે રિસ્પોન્ડ કરવું એટલે ગંભીરતાથી વિચારીને જવાબ આપવો. અમે નથી ઈચ્છતા કે અમારા સૈનિકો ઉતાવળમાં કોઈ પણ વિવાદ કે ચર્ચામાં ફસાય. તેથી જ તેમને 'X' જેવા પ્લેટફોર્મ પર માત્ર કોન્ટેન્ટ જોવાની મંજૂરી આપવામાં આવી છે, જવાબ આપવાની નહીં."