મેદાનમાં યુવરાજ અને વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી વચ્ચે બબાલ, બ્રાયન લારા વચ્ચે પડ્યો

March 17, 2025

સચિન તેંડુલકરની આગેવાની હેઠળની ઇન્ડિયા માસ્ટર્સ ટીમે બ્રાયન લારાની આગેવાની હેઠળની વેસ્ટ ઇન્ડિઝ માસ્ટર્સને હરાવીને ટાઇટલ જીત્યું. પ્રથમ વખત ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું આયોજન કરવામાં આવ્યું અને પહેલા જ પ્રયાસમાં ઇન્ડિયા માસ્ટર્સે ટાઇટલ જીત્યું છે. આ મેચમાં ઇન્ડિયા માસ્ટર્સ માટે અંબાતી રાયડુ, સચિન તેંડુલકર અને વિનય કુમારે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ મેચમાં યુવરાજ સિંહનો વેસ્ટ ઇન્ડિઝ માસ્ટર્સના ટીનો વેસ્ટ સાથે બબાલ થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025ની ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝ માસ્ટર્સે પહેલાં બેટિંગ કરતા 148 રન બનાવ્યા હતા. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતી વખતે, ઇન્ડિયા માસ્ટર્સ ટીમ સારી સ્થિતિમાં દેખાઈ રહી હતી અને 13મી ઓવરમાં અંબાતી રાયડુ અને યુવરાજ સિંહ સારી બેટિંગ કરી રહ્યા હતા. ત્યારે યુવરાજનો ટીનો વેસ્ટ સાથે ઝઘડો થયો. બંને ખેલાડીઓ એકબીજા પર કંઈક બૂમો પાડી રહ્યા હતા. આ દરમિયાન અમ્પાયર અને બ્રાયન લારાએ  બંનેને શાંત પાડ્યા હતા. વાઇરલ વીડિયોમાં વાતાવરણ એટલું તંગ લાગે છે કે બંને ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી થવાની હતી પણ સદનસીબે એવું ન થયું. ઇન્ડિયા માસ્ટર્સ માટે અંબાતી રાયડુએ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું. તેમણે 50 બોલમાં 74 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિવાય સચિન તેંડુલકરે 25 રનનું યોગદાન આપ્યું. આ બંને ખેલાડીઓએ પ્રથમ વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી અને ઇન્ડિયા માસ્ટર્સની જીતનો પાયો નાખ્યો. બાદમાં, યુવરાજ સિંહ અને સ્ટુઅર્ટ બિન્નીએ કેટલાક શક્તિશાળી સ્ટ્રોક રમ્યા અને ટીમને વિજય તરફ દોરી ગયા હતા.