બાંગ્લાદેશના ક્રિકેટર મુશફિકુર રહીમે ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેરાત કરી

March 08, 2025

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથના ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ બાદ હવે બીજા એક ખેલાડીએ આ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી ખરાબ રીતે બહાર થયેલા બાંગ્લાદેશના અનુભવી ખેલાડી મુશફિકુર રહીમે હવે ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મુશફિકુર રહીમ 2025ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં બાંગ્લાદેશ ટીમનો પણ ભાગ હતો.

મુશફિકુર રહીમે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે હું આજે ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું. દરેક વસ્તુ માટે અલહમદુલિલ્લાહ. ભલે આપણી સિદ્ધિઓ વૈશ્વિક સ્તરે મર્યાદિત હોય, એક વાત ચોક્કસ છે. જ્યારે પણ હું મારા દેશ માટે મેદાનમાં ઉતર્યો, ત્યારે મેં સમર્પણ અને પ્રામાણિકતા સાથે 100% થી વધુ આપ્યું.

છેલ્લા કેટલાક અઠવાડિયા મારા માટે ખૂબ જ પડકારજનક રહ્યા છે અને મને સમજાયું છે કે આ મારું ભાગ્ય છે. અલ્લાહ કુરાનમાં કહે છે કે, તે જેને ઈચ્છે છે તેને સન્માન આપે છે અને જેને ઈચ્છે છે તેને અપમાનિત કરે છે. સર્વશક્તિમાન અલ્લાહ આપણને માફ કરે અને બધાને સદ્ભાવના આપે. અંતે, હું મારા પરિવાર, મિત્રો અને મારા ફેન્સનો હૃદયપૂર્વક આભાર માનું છું જેમના માટે હું છેલ્લા 19 વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છું.