અમેરિકામાં 'બેરિલ વાવાઝોડા'એ મચાવ્યું તોફાન, 8 લોકોનાં મોત, લાખો ઘરોમાં વીજળી ડૂલ થઇ

July 10, 2024

અમેરિકાના ટેક્સાસમાં 'બેરિલ' વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે. વાવાઝોડાને કારણે વૃક્ષો પડી જવાથી અને ભારે પૂરના કારણે આઠ લોકોના મોત થયા હતા. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટેક્સાસમાં સાત લોકો અને  લ્યુઇસિયાનામાં એક વ્યક્તિનું મોત થયું છે. ટેક્સાસમાં 3 મિલિયન ઘરો અને વ્યાપારી સંસ્થાઓમાં વીજળી ગુલ થઈ ગઈ છે. નેશનલ હરિકેન સેન્ટરે સોમવારે સાંજે જણાવ્યું હતું કે બેરિલ વાવાઝોડું માટાગોર્ડા નજીક કેટેગરી 1ના વાવાઝોડા તરીકે નોંધવામાં આવ્યું હતું. જેના કારણે શાળાઓ, વ્યાપારી સંસ્થાઓ, ઓફિસો અને નાણાકીય સંસ્થાઓ બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ આ વાવાઝોડું હ્યુસ્ટનમાં જતા પહેલા માટાગોર્ડામાં ભારે વરસાદને કારણે નબળું પડી ગયું છે.યુએસ નેશનલ હરિકેન સેન્ટરે જણાવ્યું હતું કે બેરિલ મંગળવારે નબળું પડ્યું હતું અને 30 માઇલ (45 કિલોમીટર) પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું હતું, જોકે, તે હજુ પણ પૂર અને ભારે પવન સર્જી શકે છે. હ્યુસ્ટનમાં 3 મિલિયનથી વધુ લોકો જોરદાર પવન અને પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે.ગયા અઠવાડિયે બેરિલ વાવાઝોડું જમૈકા, ગ્રેનાડા અને સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સમાં ત્રાટક્યું હતું, જેમાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા હતા. તેમજ માળખાકીય સુવિધાઓને પણ ભારે  નુકસાન થયું હતું. વાવાઝોડું હાલમાં હ્યુસ્ટનથી 70 માઇલ દક્ષિણપશ્ચિમમાં 12 માઇલ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તે લોઅર મિસિસિપી વેલી અને પછી ઓહિયો વેલી તરફ આગળ વધતા પહેલા આજે પૂર્વ ટેક્સાસને અસર કરશે.