UPમાં EDની મોટી કાર્યવાહી,BSPના પૂર્વ MLC મોહમ્મદ ઈકબાલની 4440 કરોડની સંપત્તિ જપ્ત

June 15, 2024

ઈડીએ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પૂર્વ BSP MLC હાજી ઈકબાલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ભૂતપૂર્વ MLCની 4 હજાર કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. અહીં 4,440 કરોડની કિંમતની યુનિવર્સિટીની ઇમારત અને જમીન ટાંચમાં લેવામાં આવી છે. એજન્સી અનુસાર, તપાસ એજન્સીએ મની લોન્ડરિંગ કેસમાં પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર જારી કર્યો હતો,

ત્યારબાદ 121 એકર જમીન અને ગ્લોકલ યુનિવર્સિટીની ઇમારત જપ્ત કરવામાં આવી છે. ઈડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સંપત્તિઓ અબ્દુલ વહીદ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના નામે નોંધવામાં આવી હતી, જેનું નિયંત્રણ મોહમ્મદ ઇકબાલ અને તેના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.

મોહમ્મદ ઈકબાલ, ટ્રસ્ટ અને તેના પરિવારના સભ્યો સામે લેવાયેલી આ કાર્યવાહી ગેરકાયદેસર માઈનિંગ કેસ સાથે સંબંધિત છે. ઈડી અનુસાર, પૂર્વ MLC ફરાર છે. એવું માનવામાં આવે છે કે તે દુબઈમાં છે. મોહમ્મદ ઈકબાલને ચાર પુત્રો છે. જેલમાં રહેલા પુત્રો અને ભાઈ સામે ઘણા કેસ નોંધાયેલા છે.