સુભાષ ચંદ્રાને મોટો ઝટકો: 22 હજાર કરોડની લોન સામે 6 કરોડમાં પતાવટનો પ્લાન અટક્યો, નવેસરથી થશે સુનાવણી

September 01, 2026

ઝી ગ્રૂપના સ્થાપક અને પૂર્વ રાજ્યસભા સાંસદ સુભાષ ચંદ્રા સામે ચાલી રહેલા પર્સનલ ઇન્સોલ્વન્સી કેસમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT ની 5 સભ્યોની વિશેષ બેન્ચે મહત્વનો વચગાળાનો આદેશ આપ્યો છે. NCLTની વિશેષ બેન્ચે અગાઉની નાની બેન્ચ દ્વારા 25 ઓગસ્ટના રોજ આપવામાં આવેલા ચુકાદાના અમલ પર તાત્કાલિક સ્ટે મૂકી દીધો છે. આ ઉપરાંત, ટ્રિબ્યુનલે સુભાષ ચંદ્રા પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાની કોઈપણ પ્રકારની સંપત્તિ/મિલકત વેચવા કે અન્ય કોઈના નામે ટ્રાન્સફર કરવા પર કડક મનાઈહુકમ ફરમાવ્યો છે. NCLTના પ્રેસિડેન્ટ જસ્ટિસ (રિટાયર્ડ) અનુપિન્દર સિંહ ગ્રેવાલના વડપણ હેઠળની 5 સભ્યોની વિશેષ બેન્ચે જણાવ્યું કે અગાઉના ચુકાદામાં ટ્રિબ્યુનલના સભ્યો વચ્ચે કોઈ સ્પષ્ટ બહુમતી View) મળતી નથી. આ કારણોસર આ સમગ્ર કેસની હવે નવેસરથી સુનાવણી હાથ ધરવામાં આવશે. કેસ સાથે સંકળાયેલા ધિરાણકર્તાઓ, બેન્કો અને પક્ષકારોને સત્તાવાર નોટિસ પાઠવવામાં આવી છે. જ્યાં સુધી અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી 25 ઓગસ્ટના આદેશનો અમલ કરી શકાશે નહીં. આ વિવાદ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડની કલમ 95 હેઠળ શરૂ કરાયેલી કાર્યવાહી સંબંધિત છે. સુભાષ ચંદ્રાએ મંજૂર થયેલા ₹22,006.57 કરોડના દાવા સામે માત્ર ₹6.25 કરોડ ચૂકવવાનો અને ઇન્સોલ્વન્સી પ્રક્રિયાના ખર્ચ માટે ₹25 લાખ ફાળવવાનો રિપેમેન્ટ પ્લાન રજૂ કર્યો હતો.