સુરતથી મોટા સમાચાર : ઓલપાડના મહિલા નાયબ મામલતદારનો ગળે ફાંસો ખાઈ આપઘાત

January 12, 2026

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને ગમખ્વાર ઘટના સામે આવી છે, જેમાં ઓલપાડ કચેરીમાં ફરજ બજાવતા મહિલા નાયબ મામલતદાર હિનીષા પટેલે પોતાના જ ઘરમાં આપઘાત કરી લેતા ચકચાર મચી છે. હિનીષા પટેલે રાંદેર સ્થિત પોતાના ઘરે જ બેડરૂમની અંદર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઓલપાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કર્યું હતું. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા પોતાના ઘરે જ અંતિમપગલું ભરતા વિસ્તારમાં સોંપો પડી ગયો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.  ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, 36 વર્ષીય હિનીશા પટેલે આજે સવારે 10 વાગ્યાની આસપાસ રાંદેર સ્થિત પોતાના ઘરે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પરિવારજનો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે હજી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.  આ કેસમાં કરૂણતા એ છે કે મૃતક હિનીશા પટેલ અને તેમના પતિ બંને મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. બંને સાથે જ રહેતા હતા અને એક હસતો રમતો પરિવાર હતો. તેવામાં કયા કારણથી મહિલા અધિકારીએ આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું તે મહેસૂલ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાંદેર પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. જો કે પોલીસ આ મામલે હિનીશા પટેલના પતિ અને અન્ય પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ પારિવારિક તણાવ કે કામનું ભારણ છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.