સ્ટાલિનને મનાવવા ભાજપ-કોંગ્રેસના હવાતિયાં!

November 29, 2026

DMK, NCP (SP) અને YSRCPના સમર્થનથી સરકારને મજબૂતી


ચેન્નાઈ- સીમાંકનના મુદ્દે ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે ચેન્નાઈથી સામે આવેલી તસવીરો ભાજપની ચિંતા વધારી શકે છે. આજે રવિવારે ચેન્નાઈમાં કોંગ્રેસના મોટા નેતાઓ અને INDIA ગઠબંધનના અન્ય સભ્યોએ DMK અધ્યક્ષ એમ.કે. સ્ટાલિન સાથે અગત્યની મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી અને સ્ટાલિન હાથ મિલાવીને ઉષ્માભેર ગળે મળ્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. બીજી તરફ ભાજપ પણ DMKનું સમર્થન જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે સમજો કે નવા સીમાંકન બિલ માટે ભાજપ અને કોંગ્રેસ બંનેને DMK અને NCP (SP)ના સમર્થનની કેમ આટલી જરૂર છે.

લોકસભામાં બંધારણીય સુધારા બિલ પસાર કરાવવા માટે ગૃહમાં હાજર સભ્યોની 2/3 બહુમતી જરૂરી છે. જો 540 સાંસદો મતદાનમાં ભાગ લે, તો બિલની તરફેણમાં 360 મતની જરૂર પડશે. હાલમાં NDA પાસે 320 મત છે. જો તેને DMKના 22, શરદ પવારની NCP (SP)ના 8 અને YSRCPના 4 સાંસદોનું સમર્થન મળે, તો કુલ આંકડો 354 પર પહોંચે છે. જોકે, આ આંકડો પણ જરૂરી બહુમતીથી 6 મત ઓછો છે. આવી સ્થિતિમાં બિલ પસાર કરાવવા માટે સરકારને અન્ય પક્ષોના સાંસદોના ક્રોસ વોટિંગ અથવા ગેરહાજરી પર નિર્ભર રહેવું પડશે. જો રાહુલ ગાંધીની મુલાકાત બાદ DMKના 22 સાંસદો બિલના વિરોધમાં મતદાન કરે, તો સરકારનું અંદાજિત સમર્થન 354થી ઘટીને 332 થઈ જશે. 540 સાંસદોના મતદાનની સ્થિતિમાં બિલ પસાર કરવા 360 મત જરૂરી હોવાથી સરકાર 28 મત પાછળ રહી જશે અને બિલ પસાર થઈ શકશે નહીં.


શનિવારે DMKના સાંસદોએ બિલને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. સાંસદ એ. રાજાએ કહ્યું હતું કે તેમની પાર્ટી તમિલનાડુમાં બેઠકો વધારવાના પક્ષમાં છે. શનિવારે સાંજે DMKના સાંસદોએ ભાજપ હાઈકમાન્ડ સાથે મુલાકાત પણ કરી હતી. આ ઉપરાંત શરદ પવારની NCP (SP) અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની YSRCP પણ બિલને સમર્થન આપવાના સંકેત આપી ચૂકી છે.