લગ્નમંડપ પર મ્યાનમારની સેનાની એર સ્ટ્રઈક, 30થી વધુના મોત

November 29, 2026

સપ્તાહની અંદર જ સૈન્યએ પોતાના જ નાગરિકો પર હવાઈ હુમલા તેજ કર્યા

મ્યાનમાર  : મ્યાનમારમાં સૈન્ય શાસન દ્વારા હવાઈ હુમલાઓની ઘટનાઓમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (ICJ) દ્વારા રોહિંગ્યા સમુદાય વિરુદ્ધ થયેલી હિંસાને જનસંહાર ગણાવ્યાના એક સપ્તાહની અંદર જ સૈન્યએ પોતાના જ નાગરિકો પર હવાઈ હુમલા તેજ કર્યા છે. શનિવારે સૈન્ય દ્વારા કરવામાં આવેલા ત્રણ અલગ-અલગ હવાઈ હુમલામાં આશરે 30 લોકોનાં મોત થયાં હતાં. છેલ્લા ત્રણ દિવસમાં હવાઈ હુમલામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 60ને પાર થઈ ગઈ છે. મ્યાનમારના ઉત્તરપૂર્વ વિસ્તારમાં આવેલા મો બિયે જિલ્લામાં સૈન્યના લડાકુ વિમાન દ્વારા વિસ્થાપિત લોકોના લગ્ન સમારોહને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ વિસ્તાર શાન અને કારેન્ની રાજ્યોની સરહદ પર આવેલો છે. રાહત કામગીરી સાથે જોડાયેલા લોકોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં પાંચ બાળકો સહિત 21 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 40થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલા બાદ બચાવકર્મીઓ ઘાયલોની મદદ માટે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે સૈન્ય દ્વારા બીજો બોમ્બ પણ ફેંકવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.


શનિવારે મ્યાનમારના પશ્ચિમ ભાગમાં આવેલા રાખાઇન રાજ્યના મ્રાઉક-ઉ શહેરના વ્યસ્ત બજારને પણ હવાઈ હુમલામાં નિશાન બનાવવામાં આવ્યું હતું. સ્થાનિક અંતિમ સંસ્કાર સંગઠનના પ્રમુખ હ્લા મોંગ ઓએ આ હુમલામાં 9 લોકોનાં મોત થયાની પુષ્ટિ કરી હતી. આ હુમલામાં બજારની અનેક દુકાનો કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. શનિવારે મોડી રાત્રે આ જ વિસ્તારમાં ફરી હવાઈ હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.