યુએમમાં નવો કાયદો અમલ બનતાં 3 લાખ કાયદેસર વસાહતીઓ 'મેડીકેર'નો લાભ ગુમાવશે

November 29, 2026

વૉશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો વન બિગ બ્યુટિફૂલ બિલ એક્ટ (ઓબીબીએ) ૨૦૨૭ (જાન્યુઆરી)થી અમલી બનતાં યોગ્યતા નિયંત્રણ આવી જશે. તે નીચે ટેક્ષ અને ખર્ચ આવરી લેવાયા છે, તેથી ૩ લાખથી પણ વધુ કાયદેસરના વસાહતીઓ પણ મેડી કેર નો લાભ ગુમાવશે.આ માહિતી આપતાં વોશિંગ્ટન પોસ્ટ જણાવે છે કે ધી સોશિયલ એડમિનિસ્ટ્રેશને મેડી કેર (આરોગ્ય સેવા) મેળવતા લાખ્ખો લોકોને નોટિસ આપવી શરૂ કરી છે કે કાનૂનમાં ફેરફાર થયો હોવાથી હવે તમોને ફેડરલ હેલ્થ ઇન્સ્યોરન્સ કાર્યક્રમનો લાભ મળી શકશે નહીં. જોકે આ નિયમનો ૨૦૨૭ (જાન્યુ.૧) થી અમલી બનવાના છે. પરંતુ તેથી કાનૂની રીતે જ અમેરિકા જઈને વસેલા અને જેઓએ અમેરિકામાં દાયકાઓ સુધી પ્રદાન પણ કર્યું હતું તેવા વૃદ્ધો તથા પછીથી દિવ્યાંગ થયેલાઓને મેડી કેર મળી શકશે નહીં.
આનો સીધો અર્થ તે જ થયો કે મેડી કેર માટે અમેરિકાના નાગરિકો જ મેળવવા પાત્ર ગણાશે. ઉપરાંત, કાનૂની રીતે અમેરિકા જઈ વસેલા કેટલાક ક્યુબન અને હૈતીના નાગરિકો તથા જે દેશો સાથે અમેરિકા વિશિષ્ટ કરારોથી જોડાયું હોય તેવા દેશોના નાગરિકોને જ મેડીકેરના લાભો મળી શકશે.


આ નવા કાનૂનથી નિર્વાસિતો જે વ્યક્તિઓને આશ્રય અપાયો હોય તેવી વ્યક્તિઓ તથા જેઓ કબૂતરબાજીનાં પરિણામે અમેરિકામાં ફસાઈ ગયા હોય તેઓને તો મેડીકેરના લાભો મળશે જ નહીં, પરંતુ કાનૂની રીતે જ અમેરિકા જઈ વસેલા વસાહતીઓને પણ તે લાભો મળશે નહીં. આથી એવા ઘણાએ વસાહતીઓ કે જેમણે અમેરિકાના ઉત્કર્ષમાં ઘણો મોટો ફાળો આપ્યો છે તેવાને પણ મેડી કેરમાંથી વંચિત કરાયા છે. રીપોર્ટ તેમ પણ જણાવે છે કે તે ઇમીગ્રન્ટ્સે સામુહિક રીતે મેડીકેરનો જે લાભ લીધો છે તે રકમ ડૉલર ૬ બિલિયન જેટલી થવા જાય છે.

આ નિયમનો અંગે ઇમીગ્રન્ટ એડ્વોકસી ઓર્ગેનાઈઝેશન્સ અને હેલ્થ કેર પોલીસી એક્ષપર્ટ્સ ચેતવણી ઉચ્ચારે છે કે, મેડીકેર મળતાં હજારો વૃદ્ધો અને દિવ્યાંગો અનિવાર્ય તેવી મેડીકલ ટ્રીટમેન્ટ મેળવી નહીં શકે. કારણ કે તે ખર્ચ તેમની પહોંચ બહારનો હશે.
વૉશિંગ્ટન પોસ્ટનો અહેવાલ વધુમાં જણાવે છે કે આ કાયદાથી જેમને અસર પહોંચવાની છે તેવાઓએ ગ્રીન કાર્ડ માટેની પરવાનગી મેળવી જ લીધી છે. હવે તેઓ કાયમી વસવાટ માટેની પરવાનગીની રાહ જુએ છે. પરંતુ તે કાર્યવાહીમાં મોડું થઈ રહ્યું છે તેથી તે દસ્તાવેજો મળવાની રાહમાં છે. આ ઉપરાંત કાયદેસરના વસાહતીઓને પણ મળતી મેડીકલ હેલ્થ કેર અને હેલ્થ ઇન્સ્યુરન્સ સબસીડી પણ મળતી બંધ થશે. તેઓએ જે પેશન્ટ્સ રીનલ ડીઝીઝથી પીડાતા હોય તેમની તો સ્થિતિ અતિ કરૂણ બની રહેશે. ડાયાલીસીસ પણ અનઅફોર્ડેબલ થશે. પરિણામે ઘણા દર્દીઓનું જીવન જ જોખમાઈ જશે. તેવી જ રીતે રૂઢ રોગોના દર્દીઓની સ્થિતિ અતિ કરૂણ બની જશે.