બ્રિટન બાદ ફ્રાંસમાં ડાબેરીઓનો દબદબો વઘ્યો: ફ્રાંસમાં ત્રિશંકુ પરિણામ, ડાબેરીઓએ જમણેરીઓને પછાડતા હિંસા ભડકી

July 09, 2024

ફ્રાંસમાં સંસદીય ચૂંટણીના પરિણામો જાહેર કરી દેવાયા છે. ચૂંટણી પરિણામો મુજબ ડાબેરી ગઠબંધનને સૌથી વઘુ બેઠકો મળી રહી છે, જેને કારણે જમણેરીઓ ભડક્યા હતા અને હિંસા પર ઉતરી આવ્યા હતા. રાજધાની પેરિસ સહિત સમગ્ર ફ્રાંસમાં હિંસા ભડકી ઉઠી હતી. પ્રથમ તબક્કામાં જમણેરી પક્ષો આગળ હતા, જ્યારે બીજા તબક્કામાં ડાબેરી પક્ષો આગળ નીકળી સરકાર બનાવવાની નજીક પહોંચતા બન્ને વિચારધારાના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સામસામે ટકરાવ બાદ હિંસા ભડકી ઉઠી હતી.  ફ્રાંસમાં બીજા તબક્કાના મતદાન બાદ એક્ઝિટ પોલ પણ જાહેર થયા હતા જેમાં પણ ડાબેરી પક્ષો ચૂંટણી જીતી રહ્યા હોવાના સંકેતો આપ્યા હતા ત્યારથી જ હિંસાની શરૂઆત થઇ ગઇ હતી, જ્યારે અગાઉ એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે યુદ્ધ બાદ પ્રથમ વખત ફ્રાંસમાં જમણેરી વિચારધારાવાળા પક્ષો સરકાર બનાવવા જઇ રહ્યા છે. અચાનક જ બાજી પલટી જતા ફ્રાંસનો માહોલ જ બદલાઇ ગયો હતો.  અનેક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કટ્ટરવાદી પાર્ટી અને તેના સમર્થકો સામે દેખાવો કર્યા હતા. હિંસાને અટકાવવા માટે સમગ્ર ફ્રાંસમાં 30 હજારથી વઘુ પોલીસ સૈનિકો તૈનાત કરી દેવામાં આવ્યા છે. હિંસાના અનેક વીડિયો અને તસવીરો સામે આવી રહ્યા છે જેમાં ઠેર ઠેર આગજનીની ઘટનાઓ જોઇ શકાય છે.  ચૂંટણી પરિણામો મુજબ ડાબેરી ગઠબંધન ન્યૂ પોપ્યુલર ફ્રન્ટ (એનપીએફ)ને 182, એમ્યુનલ મેક્રોંના ગઠબંધનને 163 જ્યારે જમણેરી પક્ષ નેશનલ રેલી પાર્ટીને માત્ર 143 બેઠકો મળી રહી છે. ફ્રાંસની નેશનલ એસેમ્બ્લીમાં કુલ 577 બેઠકો છે, જોકે ત્રણમાંથી એક પણ બ્લોકને બહુમત નથી મળી.