'ભાઈ, 27 કરોડ પાછા આપી દો...', વધુ એક ફ્લોપ પ્રદર્શન બદલ ઋષભ પંત પર ભડક્યાં ફેન્સ

April 23, 2025

IPL 2025: લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન ઋષભ પંત પોતાની જૂની ટીમ દિલ્હી કેપિટલ્સ સામે બે બોલમાં ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. બાદમાં ટીમને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આવી સ્થિતિમાં ફરીથી સોશિયલ મીડિયા પર તેની ટીકા થઈ રહી છે. લખનઉ સુપર જાયન્ટ્સે ઋષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ અત્યાર સુધી એક ઈનિંગ છોડીને તેનું પ્રદર્શન ફ્લોપ રહ્યું છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું કે, ભાઈ LSGને 27 કરોડ રૂપિયા પાછા આપી દો. મંગળવારે 22 એપ્રિલના રોજ લખનઉ સુપર જાયન્ટ્સ દિલ્હી કેપિટલ્સ સામે તેના હોમ ગ્રાઉન્ડ પર માત્ર 159 રન બનાવી શક્યું. દિલ્હીની ટીમે 18મી ઓવરમાં 160 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો. ઋષભ પંતે અત્યાર સુધી 9 મેચમાં 106 રન બનાવ્યા છે, જેમાંથી 63 રન એક જ મેચમાં બનાવ્યા છે. આ સિઝનમાં તેની એવરેજ 13.25 છે અને સ્ટ્રાઈક રેટ 96.36 છે. ઋષભ પંતને પહેલા પણ ટ્રોલ કરવામાં આવ્યો છે, કારણ કે તે સિઝનની શરૂઆતમાં પણ કંઈ ખાસ નહોતો કરી શક્યો. તેણે માત્ર એક જ મેચમાં સારું પ્રદર્શન કર્યું છે. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં જ્યારે બે બોલ બાકી હતા ત્યારે તે સાતમા નંબરે બેટિંગ કરવા ઉતર્યો હતો, જેના કારણે પણ સોશિયલ મીડિયા પર ઋષભ પંતને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. તેના 9 વર્ષના T20 કરિયરમાં આ પહેલી વાર છે જ્યારે તે સાતમા અથવા તેનાથી નીચેના નંબર પર બેટિંગ કરવા ઉતર્યો છે. તેણે IPL 2016માં બે વાર આનાથી નીચે બેટિંગ કરી હતી. જોકે, તે આ મેચના બીજા બોલ પર આઉટ થઈ ગયો હતો, જે ઈનિંગનો છેલ્લો બોલ પણ હતો.