બુમરાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 વિકેટ પૂરી કરી, આ મામલે કપિલદેવ અને ઝહીરને પાછળ છોડ્યા

September 21, 2024

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈ ખાતે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી. આ સાથ જ તેણે પોતાની 400 આંતરરાષ્ટ્રીય વિકેટ પૂરી કરી લીધી હતી. તે 400થી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનારો ભારતનો 10મો બોલર બની ગયો છે. બુમરાહે પૂર્વ ભારતીય બોલર હરભજન સિંહને પાછળ છોડી દીધો છે. આ સાથે તે એક ખાસ યાદીમાં પણ સામેલ થઇ ગયો છે. જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગ સામે બાંગ્લાદેશની ટીમ 149ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. જેની સાથે ભારતને પહેલી ઇનિંગમાં 227 રનની લીડ મળી હતી. બુમરાહે 11 ઓવરમાં એક મેડન ઓવર નાખી અને 50 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. બુમરાહે શદમન ઈસ્લામ, મુશફિકુર રહીમ અને હસન મહમૂદને આઉટ કર્યા હતા. આ સાથે જ બુમરાહે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. તેણે ભારત માટે સૌથી ઓછી ઇનિંગ્સમાં 400 વિકેટ લેનાર ભજ્જીને પાછળ છોડી દીધો છે. હરભજને 237 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે બુમરાહે 227 ઇનિંગ્સમાં જ આ સિદ્ધિ મેળવી લીધી છે. આ યાદીમાં રવિચંદ્રન અશ્વિન ટોચના સ્થાન પર છે. તેણે 216 ઇનિંગ્સમાં 400 વિકેટ ઝડપી હતી. જ્યારે કપિલ દેવે 220 ઇનિંગ્સમાં 400 વિકેટ પૂરી કરી હતી. ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા ઝડપી બોલરોની યાદીમાં હવે બુમરાહ છઠ્ઠા સ્થાને આવી ગયો છે. આ યાદીમાં કપિલ દેવ ટોચનું સ્થાન ધરાવે છે. તેણે 687 વિકેટ લીધી છે. ઝહીર ખાન 610 વિકેટ સાથે બીજા સ્થાને છે. જયારે ત્રીજા નંબર પર જવાગલ શ્રીનાથ છે. તેણે 551 વિકેટ લીધી છે.  આ યાદીમાં અન્ય 5 ઝડપી બોલરની વિકેટ બુમરાહ કરતાં વધારે છે પરંતુ સરેરાશના મામલે બુમરાહ સૌથી આગળ છે. આ બાબતે તેણે કપિલ દેવ અને ઝહિર ખાનને પણ પાછળ છોડ્યા હતા.