712 વિકેટો ઝડપનાર બોલર પર લાગ્યો પ્રતિબંધ, કરિયરના છેલ્લા તબક્કામાં લાગ્યો મોટો ઝટકો

December 16, 2024

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસન માટે તેના કરિયરના છેલ્લા તબક્કામાં ખૂબજ ખરાબ સમાચાર આવ્યા છે. શાકિબની બોલિંગ એક્શનને શંકાસ્પદ માનવામાં આવી રહી છે, જેના કારણે તેની બોલિંગ એક્શન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હવે આ ખેલાડી ક્યારેય બોલિંગ નહીં કરી શકશે.  શાકિબ અલ હસન પોતાના ક્રિકેટ કરિયરના છેલ્લા તબક્કામાં ચાલી રહ્યો છે. આ દરમિયાન જ તેના માટે આ ખરાબ સમાચાર આવ્યા છે. જે બાદ હવે ટૂંક સમયમાં તેનું કરિયર ખતમ થઈ શકે છે. હાલમાં શાકિબ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો હતો. સરે તરફથી રમતી વખતે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેની બોલિંગ એક્શનની તપાસ કરાવી હતી. કાઉન્ટી ક્રિકેટ દરમિયાન ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે શાકિબની બોલિંગ એક્શનની તપાસ કરી હતી, તેમાં તેની બોલિંગ એક્શન શંકાસ્પદ જણાઈ હતી. ત્યારબાદ શાકિબ પર ICCના નિયમો હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેને લઈને હવે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે માહિતી શેર કરી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે હવે શાકિબ પર લગાવેલા પ્રતિબંધને સાર્વજનિક કરી દીધો છે. બાંગ્લાદેશની સ્થિતિ છેલ્લા કેટલાક મહિનાઓથી ખૂબ ખરાબ ચાલી રહી છે. બાંગ્લાદેશમાં થયેલી હિંસા દરમિયાન એક વ્યક્તિની હત્યા કરવાનો આરોપ પણ શાકિબ પર લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદથી તેની સામે બાંગ્લાદેશમાં કેસ પણ ચાલી રહ્યો છે. ત્યારથી શાકિબ બાંગ્લાદેશ નથી ગયો અને તેને નેશનલ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.