ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવાની રેસથી બુમરાહ ખુદ થયો બહાર? ગિલ કે પંત સંભાળી શકે છે કમાનઃ રિપોર્ટ

May 12, 2025

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યારથી સૌ કોઇના મનમાં સવાલ છે કે હવે આગામી કેપ્ટન કોણ બનશે. આ દરમિયાન મીડિયા અહેવાલ મુજબ, સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે પોતાને કેપ્ટન બનવાની રેસથી દૂર કરી દીધો છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, બુમરાહે ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન બનવાનો ઇનકાર કરી દીધો છે અને હવે શુભમન ગિલ અને રિષભ પંત આ બંનેમાંથી કોઇ એક ખેલાડી ટેસ્ટ ટીમનો કેપ્ટન બની શકે છે.  નોંધનીય છે કે, ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ 7 મે, 2025ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જે પછી ઘણા લોકો માને છે કે જસપ્રીત બુમરાહ ભારતની ટેસ્ટ ટીમનો આગામી કેપ્ટન હશે. બુમરાહે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ટેસ્ટમાં ત્રણ વખત, ઈંગ્લેન્ડમાં એક વખત અને ઓસ્ટ્રેલિયામાં બે વખત ભારતનું નેતૃત્વ કર્યું છે. તેણે પર્થ ટેસ્ટમાં ભારતને શાનદાર વિજય અપાવ્યો હતો. જો કે, હવે એવું માનવા મળતી માહિતી મુજબ, બુમરાહ વર્કલોડ મેનેજમેન્ટને કારણે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પાંચમાંથી એક પણ ટેસ્ટ મેચ રમી શકશે નહીં. આ વર્ષની શરૂઆતમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન પીઠની ઇજાને કારણે બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી ચૂકી ગયો હતો. આ દરમિયાન સિલેક્ટર્સ એવા ખેલાડીને પ્રાથમિકતા આપશે જે ટીમ માટે સતત રમી શકે. આનાથી ગિલ અને પંતની સ્થિતિ મજબૂત બને છે, સિલેક્ટર્સ આગામી અઠવાડિયે ભૂમિકાઓ પર ચર્ચા કરવા માટે બેઠક કરી શકે છે. આ બેમાંથી કોઇ એક કેપ્ટન જ્યારે બીજો વાઇસ-કેપ્ટન બની શકે છે.