કરોડો ઘરમાં આવે અને પિતાને કેમ જાણ ન હોય, કૌભાંડમાં CBI તપાસ થાય: કોંગ્રેસ

May 23, 2025

દાહોદ : દાહોદ જિલ્લામાં ગરીબ મજૂરોને રોજગારી આપતી મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડના બંને પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ કરાઈ છે. ત્યારે કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થતાં હવે બચુ ખાબડનું રાજ્ય સરકારના મંત્રી પદેથી રાજીનામું લેવાશે કે નહીં તે અંગે રાજકીય અટકળોનો દોર શરૂ થયો છે. ત્યારે હવે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે મનરેગા કૌભાંડ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈ-મેઈલ કરીને મળવા માટે સમય માગ્યો છે. જે અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે માહિતી આપી હતી.


શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતના દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. 71 કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડમાં ભાજપ સરકારના મંત્રીના બે પુત્રોની ધરપકડ કરવામાં આવી છે. આખા દાહોદ જીલ્લાની તપાસ કરવામાં આવે તો 400 કરોડ આસપાસના ભ્રષ્ટાચારની હકીકતો બહાર આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે મનરેગામાં થઈ રહેલા ભ્રષ્ટાચાર અંગે ગુજરાત કોંગ્રેસ અને સામાજિક આગેવાનોનું એક પ્રતિનિધિમંડળે તેમને મળવા માટે સમય માંગ્યો છે. હું ખાતો નથી અને કોઈને ખાવા દેતો નથી એવું સૂત્ર વડાપ્રધાન બોલતા હોય છે તો જુઓ તમારી જ પાર્ટીના ભાજપના લોકો 'નલ સે જલ' અને મનરેગા યોજનાઓમાં ભ્રષ્ટાચાર કરીને કરોડો રૂપિયા ખાઈ રહ્યા છે. 


અમે માંગ કરીએ છીએ કે, (1) વડાપ્રધાન દાહોદ આવે અને અમારા પ્રતિનિધિમંડળને મળવા માટે સમય આપે. (2) જો વડાપ્રધાન ખરેખર ભ્રષ્ટાચાર સામે લડવા માંગતા હોય તો તેમણે દાહોદ મનરેગા કૌભાંડની તટસ્થ તપાસ માટે નૈતિકતાના ધોરણે મંત્રીને બરતરફ  કરવા જોઈએ. (3) ગુજરાત સરકાર પોતે આ કેસમાં સંડોવાયેલી છે જેથી સમગ્ર કૌભાંડની તપાસ CBI દ્વારા થવી જોઈએ અને CBIનું  નિરીક્ષણ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના સીટીંગ જજના વડપણ હેઠળ થવું જોઈએ.