પડકારને પડકાર ફેંકવો મારા DNAમાં, અત્યાર સુધીનો ભારતનો વિકાસ માત્ર ટ્રેલર છે: મોસ્કોમાં PM મોદી

July 09, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના બે દિવસના પ્રવાસે છે. તેઓ સોમવારે (8 જુલાઈ) મોસ્કો પહોંચ્યા હતા જ્યાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારે આજે વડાપ્રધાન મોદી મોસ્કોમાં ભારતીય સમુદાયની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ રશિયામાં સ્થાયી થયેલા ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા છે. વડપ્રધાન મોદી આગળ બોલતા કહ્યું કે 'હું આજે તમારી સાથે એક સારા સમાચાર શેર કરવા માંગુ છું. રશિયાના કઝાન અને યાકિટારિમ્બર્ગમાં ભારતના બે નવા કોન્સ્યુલેટ ખોલવામાં આવશે. જેનાથી અહીં આવવા જવા તેમજ વ્યાપાર વધુ સરળ બનશે.' વધુમાં કહ્યું કે 'રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. રાષ્ટ્રપતિ પુતિનના 20 વર્ષના શાસન દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. ભારત-રશિયા મિત્રતા હંમેશા સકારાત્મક છે. રાજ કપૂર અને મિથુન ચક્રવર્તીએ બંને દેશો વચ્ચેની મિત્રતા મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.' ભારત અને રશિયાના સંબંધોની વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે 'ભારતીય સમુદાયના લોકો ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને આગળ લઈ જઈ રહ્યા છે. રશિયા ભારતના સુખ-દુઃખનું સાથી છે. ભારત અને રશિયાની મિત્રતા હંમેશા ઉષ્માભરી રહી છે. આ સંબંધ પરસ્પર વિશ્વાસના આધારે બનેલો છે. અહીં ઘરે ઘરે સર પર લાલ ટોપી...ગીત ગવાતું, આ ગીત ભલે જૂનું થઈ ગયું હોય પણ લાગણી હજુ પણ એવી જ છે. હું ભારત-રશિયા સંબંધોનો ચાહક છું. અમારા સંબંધોની મજબૂતાઈ ઘણી વખત ચકાસવામાં આવી છે અને દરેક વખતે વધુ મજબૂત બની છે.' પડકારને પડકારવું મારા ડીએનએમાં છે. અમે અત્યાર સુધી જે વિકાસ કર્યો છે તે માત્ર ટ્રેલર છે. આગામી 10 વર્ષમાં સેમિકન્ડક્ટરથી મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજનથી ગ્રીન વ્હિકલ સુધીની ભારતની નવી ગતિ વિશ્વના વિકાસનું પ્રતીક બની રહેશે. વિશ્વ વિકાસનું પ્રકરણ લખશે. વૈશ્વિક સ્તરે 15 ટકા વિકાસમાં ભારતનો હિસ્સો છે. આવનારા સમયમાં વધુ વિસ્તરણ થવાની ખાતરી છે.