હિમાચલના લગઘાટીમાં વાદળ ફાટ્યુ, કુલ્લુમાં શાળા-કોલેજ બંધના આદેશ

August 19, 2025

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના લઘાટીમાં કાનૂન નામની ઊંચી ટેકરી પર વહેલી સવારે વાદળ ફાટ્યા બાદ અચાનક પૂર આવ્યું. વાદળ ફાટવાના કારણે કાનૂનમાં ત્રણ દુકાનો ધોવાઈ ગઈ અને પૂરના કારણે લોકોની જમીન, બગીચા અને પાકને ભારે નુકસાન થયું છે. બીજી તરફ, સરવરી ખાડમાં પાણીના સ્તરમાં ભારે વધારો નોંધવામાં આવ્યો છે. પૂરના કારણે એક પુલને નુકસાન થયું છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની અવરજવર પર અસર પડી છે.

કાનૂન ગામમાં બુબુ નાળા પર બનેલો પુલ ધોવાઈ ગયો છે અને ત્રણ દુકાનો તણાઇ ગઇ છે. એક સ્થાનીકે આપવીતી જણાવતા કહ્યું કે તે આખી રાત ઊંઘ્યો નથી. યુવકે કહ્યું કે ગામનો સંપર્ક કપાઈ ગયો છે અને વાદળ ફાટવાથી અને મોટા પથ્થરો રસ્તા પર આવી ગયા બાદ ઘણું નુકસાન થયું છે.

કુલ્લુ નજીક સરવરીમાં અચાનક આવેલા પૂરને કારણે ઘણું નુકસાન થયું છે અને રસ્તાનો એક ભાગ તૂટી ગયો છે. તે જ સમયે, ભૂતનાથ મંદિર પાસે બસ સ્ટેન્ડને જોડતા રસ્તા પર ઊંડી તિરાડો પડી ગઈ છે અને સલામતી માટે બનાવેલો બંધ ધોવાઈ ગયો છે. આ ઉપરાંત, હનુમાન બાગને જોડતો ફૂટબ્રિજ પણ તૂટવાની આરે છે, જેના કારણે સ્થાનિક લોકોની અવરજવર માટે સંકટ સર્જાયું છે. વહીવટીતંત્રે લોકોને નદી કિનારે જવાનું ટાળવા અને સતર્ક રહેવાની અપીલ કરી છે.