ચૂંટણી ટાણે PM મોદીએ પેટ્રોલ-ડીઝલનો મુદ્દો ઊઠાવતાં CM અશોક ગેહલોતે આપ્યો આવો જવાબ

November 20, 2023

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર હવે અંતિમ તબક્કામાં છે. એવામાં વડાપ્રધાન મોદીએ રાજસ્થાનમાં મોંઘા પેટ્રોલ-ડીઝલનો મુદ્દો ઊઠાવીને મોટો દાંવ ખેલ્યો. પીએમ મોદીએ રવિવારે એક રેલીમાં પેટ્રોલ ડીઝલની કિંમતની તુલના યુપી, હરિયાણા જેવા ભાજપ શાસિત રાજ્યો સાથે કરી હતી. તેમણે આ દરમિયાન એલાન કર્યો કે ભાજપની સરકાર બનશે તો તેની સમીક્ષા કરાશે. દરેક વ્યક્તિને પ્રભાવિત કરે તેવો મુદ્દો પીએમ મોદી દ્વારા ઊઠાવાતા રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે આ મામલે કહ્યું કે અમને એ વાતનો અહેસાસ છે પણ તેની પાછળ મજબૂરી છે. તેમણે કેન્દ્ર સરકાર સામે ટેક્સમાં ભાગીદારી ઘટાડવાનો આરોપ મૂક્યો હતો. અશોક ગેહલોતે પત્રકારોને કહ્યું કે રાજ્યમાં  મોંઘા પેટ્રોલ ડીઝલ અંગે કેન્દ્ર સરકાર જવાબદાર છે. કેન્દ્ર દ્વારા બેઝિક એક્સાઈઝમાં રાજ્યોની ભાગીદારી ઘટાડી દેવામાં આવી છે. 
પીએમ જુઠ્ઠું બોલી રહ્યા છે : અશોક ગેહલોત 
ગેહલોતે કહ્યું કે પીએમ મોદી અસત્ય બોલી રહ્યા છે. હું તમને હકીકત જણાવી રહ્યો છું. ભારત સરકાર એટલી મોટી ગેમ રમી રહી છે. સમજવાની વાત છે કે બેઝિક એક્સાઈઝ ડ્યૂટી કરોડો, અબજો રૂપિયા હોય છે. તેનો નિયમ છે, બધા રાજ્યો વચ્ચે તેની વહેંચણી થાય છે. મોદી સરકારે તેનો લગભગ અંત જ કરી દીધો છે. નવી એક્સાઇઝ ડ્યૂટી, એડિશનલ એક્સાઈઝ ડ્યૂટી અને સેસમાં વધારી કરી દીધો છે. તેની રાજ્યોમાં વહેંચણી કરાતી નથી. તે ફક્ત કેન્દ્રની તિજોરી ભરી રહ્યા છે. તેનાથી સત્તા ભોગવી રહ્યા છે. દગો તો એ જ કરી રહ્યા છે. પ્રજા સાથે. રાજ્યોની તો પોતાની મજબૂરીઓ છે. કયો રાજ્ય એવો હશે જે નહીં ઈચ્છે છે કે મારે ત્યાં ઓછામાં ઓછી એક્સાઈઝ ડ્યૂટી હોય. કોણ પબ્લિકને રાહત આપવા નહીં માગે.