કોંગ્રેસ પાપના કળણમાં ફસાયેલી,તેની બે તાકાત- લૂંટ અને ફૂટ : મોદી

February 12, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે મધ્યપ્રદેશના આદિવાસી બહુલ ઝાબુઆ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. ઝાબુઆમાં 7,500 કરોડ રૂપિયાના વિકાસકાર્યોના ભૂમિપૂજન/લોકાર્પણ બાદ તેમણે જાહેરસભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસ પાપના કળણમાં ફસાઇ ચૂકી છે. તે બહાર નીકળવાનો જેટલો પ્રયાસ કરશે તેટલી વધારે ફસાશે.

તેની બે જ તાકાત છે, લૂંટ અને ફૂટ. તે સત્તા પર હોય ત્યારે લૂંટવાનું અને સત્તા બહાર હોય ત્યારે લોકોને લડાવવાનું કામ કરે છે. લૂંટ અને ફૂટ કોંગ્રેસનો ઓક્સિજન છે. કોંગ્રેસનું માત્ર એક જ કામ છે, નફરત. 2023માં મધ્યપ્રદેશમાંથી કોંગ્રેસની (સત્તામાંથી) વિદાય થઇ છે અને હવે 2024માં તેનો સફાયો નિશ્ચિત છે.

કોંગ્રેસને ચૂંટણી વખતે જ ગામ, ગરીબ અને ખેડૂત યાદ આવે છે. ઝાબુઆમાં વડાપ્રધાને આદિવાસી મહાકુંભમાં પણ ભાગ લીધો. તેમણે કહ્યું કે આદિવાસી સમાજ અમારા માટે વોટબેંક નહીં પણ દેશનું ગૌરવ છે. તમારા બાળકોના સપના મોદીનો સંકલ્પ છે અને તમારું સન્માન તથા વિકાસ મોદીની ગેરંટી છે.

હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે ગામેગામ જઇને કહેતો કે મને ભિક્ષામાં વચન આપો કે તમારી દીકરીને ભણાવશો. 40-45 ડિગ્રી ગરમીમાં હું આ ઝાબુઆ નજીક દાહોદના જંગલમાં નાના ગામોમાં જઇને દીકરીઓની આંગળી પકડીને સ્કૂલે લઇ જવાનું કામ કરતો હતો.