CWCની બેઠકમાં કોંગ્રેસે લીધા શપથ! ચૂંટણીને લઈને ત્રણ મોટા પ્લાન કરાયા તૈયાર

September 17, 2023

ખડગેએ ચૂંટણી જીતવા એક થઈને કામ કરવાની સલાહ

હૈદરાબાદ- હૈદરાબાદમાં ચાલી રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC Meeting)ની બેઠકમાં મલ્લિકાઅર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર અને ભાજપ સામે જોરદાર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે G20ના આયોજન પર થયેલા ખર્ચ મામલે સવાલો ઊઠાવ્યા હતા. આ ઉપરાંત પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના નેતાઓને આ વર્ષના અંતમાં યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અને ત્યારબાદ લોકસભા ચૂંટણીમાં જીત માટે એક થઈને કામ કરવાની સલાહ આપી. આ બેઠકમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC) પ્રમુખ, CLP, ધારાસભ્ય દળના નેતાઓ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના અધિકારીઓ હાજર હતા.
આ વર્ષના અંત સુધીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં યોજાનારી ચૂંટણી અને પછી લોકસભાની ચૂંટણી પહેલા યોજાયેલી આ બેઠકમાં ખડગેએ મૂળભૂત રીતે ત્રણ મુદ્દા પર ભાર મૂક્યો હતો. પક્ષનું માળખું મજબૂત કરવા પર, જૂથવાદ છોડીને સાથે કામ કરવું અને આગામી ચૂંટણી માટે નિશ્ચિત વ્યૂહરચના બનાવીને, મતદારો સાથે સતત સંપર્કમાં રહેવાની વાત કરી હતી.
આ સિવાય કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા વાત કરવામાં આવી કે, આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ છે. 1948માં આ દિવસે હૈદરાબાદને આઝાદી મળી હતી. કોંગ્રેસે લાંબી લડાઈ લડી હતી. નેહરુ અને સરદાર પટેલે હૈદરાબાદને આઝાદ કરવા ધણો મોટો ફાળો આપ્યો છે. આજે દેશ આ બેઠકમાંથી કોઈ નક્કર સંદેશની રાહ જોઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, ભવિષ્યના પડકારો બંધારણને બચાવવાનો છે. પડકાર SC, ST, OBC, મહિલાઓ, ગરીબો, લઘુમતીઓના અધિકારોને બચાવવાનો છે. કોંગ્રેસે તેના 138 વર્ષના ભવ્ય ઈતિહાસમાં અનેક પડકારોને પાર કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષે આરોપ મૂક્યો કે INDIA  ગઠબંધનની બેઠકોની સફળતા બાદ સરકારે તપાસ એજન્સીઓને વિપક્ષી દળોથી બદલો લેવા માટે કામે લગાડી દીધી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે મણિપુર અને નૂંહની ઘટનાથી દેશની છબિ ખરડાઈ છે.