મધ્ય એશિયાઈ દેશો સાથેની કનેક્ટિવિટી ભારતની પ્રાથમિકતા : NSA અજિત ડોભાલ

December 07, 2022

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(NSA) અજિત ડોભાલે મંગળવારે પાટનગર દિલ્હીમાં યોજાયેલા કઝાકિસ્તાન, કર્ગિસ્તાન, તાઝાકિસ્તાન અને ઉજબેકિસ્તાનના ટોચના સુરક્ષા અધિકારીઓ સાથેના સમ્મેલનમાં જણાવ્યું હતું કે મધ્ય એશિયાઈ દેશો સાથેની કનેક્ટિવિટી ભારતની પ્રાથમિકતા છે અને ઉમેર્યું હતું કે શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સમૃદ્ધ મધ્ય એશિયા આપણા તમામના હિતમાં છે.

તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની પહેલી ભારત-મધ્ય એશિયા બેઠકમાં જણાવ્યું હતું કે આપણે મહાન મંથન અને આંતરરાષ્ટ્રીય સંબંધો તથા ભવિષ્ય અંગેની ભારે અનિશ્ચિતતાના સમયમાં મળી રહ્યા છીએ. તેમણે એશિયામાં સૌને સતાવી રહેલાં આતંકવાદના મુદ્દાને યાદ કરતાં ટેરર ફાઇનાન્સિંગને રોકવા માટે તમામના સહયોગની હિમાયત કરી હતી.

તેમણે અફઘાનિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ પર પણ વાત કરી અને જણાવ્યું હતું કે આપણા તમામ માટે આ એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. ડોભાલે જણાવ્યું હતું કે, તત્કાળ પ્રાથમિકતાઓ અને આગળ વધવાના ઉપાયોના સંદર્ભમાં ભારતની ચિંતાઓ અને ઉદ્દેશ ટેબલની આસપાસના આપણામાંથી ઘણા લોકો માટે એકસમાન છે.