ઓકલેન્ડમાં શીખ પરેડ પર વિવાદ, હાકા સ્ટાઈલમાં વિરોધ

December 21, 2025

ઓકલેન્ડ- ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં ગુરુ નાનક જયંતી નિમિત્તે શીખ સમુદાય દ્વારા કાઢવામાં આવેલી વાર્ષિક નગર કીર્તન પરેડ દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. ડેસ્ટિની ચર્ચ સાથે જોડાયેલા એક જૂથે પરેડનો વિરોધ કરીને માહોલ તંગ બનાવ્યો હતો, જેના કારણે હવે ત્યાં અભિવ્યક્તિની આઝાદી અને સાંસ્કૃતિક સન્માન મુદ્દે સ્થાનિક સ્તરે ચર્ચાએ જોર પકડ્યું છે.


શનિવારે જ્યારે શીખ સમુદાયના લોકો નગર કીર્તન પરેડ પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ડેસ્ટિની ચર્ચ સાથે જોડાયેલા "ટ્રુ પેટ્રિયોટ્સ ઓફ ન્યુઝીલેન્ડ" ના સભ્યોએ રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. આ જૂથના સભ્યોએ રસ્તાની વચ્ચે ઊભા રહીને પરંપરાગત 'હાકા' (Haka) પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓની પાછળ એક કાળા રંગનું બેનર જોવા મળ્યું હતું, જેના પર સ્પષ્ટ લખ્યું હતું કે, "આ ન્યુઝીલેન્ડ છે, ભારત નહીં".


સોશિયલ મીડિયા પર આ ઘટનાના વિડીયો વાઈરલ થયા છે, જેમાં પ્રદર્શનના આયોજક બ્રાયન ટમકીએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ઓકલેન્ડની શેરીઓમાં આતંકવાદી સંગઠન ખાલિસ્તાનના ઝંડા કેમ લહેરાવવામાં આવી રહ્યા છે? ભારત સરકારે ખાલિસ્તાન સાથે જોડાયેલા જૂથોને આતંકવાદી જાહેર કર્યા છે અને ન્યુઝીલેન્ડ આવા વિદેશી આતંકવાદી આંદોલનોને પરેડની પરવાનગી કેવી રીતે આપી શકે?
આ ઘટનાની ટીકા કરતા 'ફ્રી સ્પીચ યુનિયન'ના કાર્યકારી વડા જીલીન હીથરે જણાવ્યું હતું કે, કોઈ સમુદાયની પરેડ કે અભિવ્યક્તિ આઝાદીમાં શારીરિક રીતે દખલ કરવી તે લક્ષ્મણ રેખા ઓળંગવા સમાન છે.