સી.પી. રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી, PM મોદી બન્યા પ્રથમ પ્રસ્તાવક

August 20, 2025

NDAના ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત એનડીએ સહિત અન્ય સાંસદો તેમની સાથે ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા. ઉમેદવારી નોંધાવતી વખતે PM મોદી તેમના પહેલા પ્રસ્તાવક બન્યા હતા. કેન્દ્ર સરકારના એનડીએ ગઠબંધને રવિવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. આ જાહેરાત ભાજપ સંસદીય બોર્ડની બેઠક બાદ કરવામાં આવી હતી. આ નિર્ણય એનડીએના સહયોગી પક્ષોના સમર્થન બાદ લેવામાં આવ્યો હતો. ચંદ્રપુરમ પોનુસામી રાધાકૃષ્ણનનો જન્મ 20 ઓક્ટોબર, 1957ના તમિલનાડુના તિરૂપ્પુરમાં થયો હતો. તેમણે 31 જુલાઈ, 2024ના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ લીધી હતી. ઝારખંડ કાર્યકાળ દરમિયાન તેમણે તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો કાર્યભાર પણ સંભાળ્યો હતો. સીપી રાધાકૃષ્ણન તમિલનાડુના જાહેર જીવન અને રાજકારણમાં ચાર દયકાથી વધુ બહોળો અનુભવ ધરાવે છે.
વિપક્ષ I.N.D.I.A ગઠબંધને ગઈકાલે ઉપરાષ્ટ્રપતિ પદ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડીનું નામ જાહેર કર્યું છે. તેઓ આવતીકાલે 21 ઓગસ્ટના રોજ ઉમેદવારી નોંધાવશે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. જેના પરિણામ પણ તે જ દિવસે જાહેર કરાશે.