લોસ એન્જલસમાં સાંજે 6 વાગ્યા પછી કર્ફ્યૂ

June 11, 2025

લોસ એન્જલસ :  અમેરિકાના લોસ એન્જલસમાં 5 દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને કારણે સાંજે 6 વાગ્યા પછી કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. લોસ એન્જલસના મેયર કરેન બાસે કટોકટી જાહેર કરી છે. મંગળવારે રાત્રે 8 વાગ્યાથી બુધવારે સાંજે 6 વાગ્યા (સ્થાનિક સમય) સુધી ડાઉનટાઉન લોસ એન્જલસના કેટલાક ભાગોમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. સોમવારે, આ વિરોધપ્રદર્શનો અમેરિકાનાં 12 રાજ્યનાં 25 શહેરમાં ફેલાઈ ગયાં હતાં.

સાન ફ્રાન્સિસ્કો, ડલ્લાસ, ઓસ્ટિન, ટેક્સાસ અને ન્યૂ યોર્ક જેવા અમેરિકન શહેરોમાં શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન થયાં. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે, ટ્રમ્પે મંગળવારે 4 હજાર નેશનલ ગાર્ડ્સ સાથે 700 મરીન કમાન્ડો લોસ એન્જલસ મોકલ્યા હતા. સોમવાર-મંગળવારે, લોસ એન્જલસ પોલીસે 1,100 થી વધુ વિરોધીઓની ધરપકડ કરી.

પ્રદર્શનકારીઓએ એપલ સ્ટોરમાં લૂંટ મચાવી અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ એપલ સ્ટોર અને જોર્ડન ફ્લેગશિપ સહિત અનેક સ્ટોર્સમાં લૂંટ ચલાવી હતી. આ ઘટના રવિવારે રાત્રે બની હોવાનું કહેવાય છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થઈ રહ્યો છે. આરોપ છે કે, જ્યારે વિરોધીઓ એપલ સ્ટોર લૂંટી રહ્યા હતા, ત્યારે સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી, ત્યારબાદ ઘણા લૂંટારુઓ એપલ સ્ટોરની અંદર ફસાઈ ગયા હતા.

FPJના અહેવાલ મુજબ, રવિવારે રાત્રે, 9 જૂને લોસ એન્જલસના ડાઉનટાઉનમાં સ્થિત એપલ સ્ટોર પર વિરોધીઓએ હુમલો કર્યો હતો. વાઇરલ થયેલા વીડિયોમાં, કાળા હૂડી અને માસ્ક પહેરેલા ઘણા લોકોએ સ્ટોર પર હુમલો કર્યો હતો. એક વ્યક્તિ એપલ સ્ટોરમાંથી એક બોક્સ ઉપાડીને સ્ટોરમાં તોડફોડ કરતો જોવા મળે છે. તે વ્યક્તિ એક વસ્તુ ઉપાડે છે અને તેને કાચ પર જોરથી મારે છે. વીડિયોમાં પોલીસના સાયરન અને ગોળીબારનો અવાજ પણ સાંભળી શકાય છે.