જોકોવિચ 50મી ગ્રાન્ડસ્લેમ સેમિફાઇનલમાં, મેલબોર્ન પાર્કમાં 300 સેટ્સ પણ પૂરા કર્યા

January 22, 2025

સર્બિયાના 37 વર્ષીય ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ સિંગલ્સમાં 21 વર્ષીય યુવા ખેલાડી કાર્લોસ અલ્કારાઝને હરાવીને કારકિર્દીમાં ઓવરઓલ 50મી ગ્રાન્ડસ્લેમ સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. વિક્રમી 25મા ગ્રાન્ડસ્લેમ તરફ આગેકૂચ કરી રહેલા જોકોવિચે મેલબોર્ન પાર્ક ખાતે કુલ 300 સેટ્સ રમવાની સિદ્ધિ પણ મેળવી હતી.

મેન્સની ક્વાર્ટર ફાઇનલમાં જોકોવિચે પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ત્રણ કલાક 37 મિનિટ સુધી સંઘર્ષ કર્યા બાદ અલ્કારાઝને 4-6, 6-4, 6-3, 6-4થી હરાવ્યો હતો. આ સાથે જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનમાં 12મી વખત અંતિમ-4માં પણ પ્રવેશ કર્યો છે. જોકોવિચે બંને વચ્ચેનો રેકોર્ડ પાંચ વિજય અને ત્રણ પરાજયનો કર્યો છે.

જોકોવિચનો આગામી મુકાબલો બીજા ક્રમાંકિત એલેકઝાન્ડર ઝેવરેવે સામે થશે જેણે ટોમી પોલને 7-6 (1), 7-6 (0), 2-6, 6-1થી હરાવીને નવમી વખત ગ્રાન્ડસ્લેમની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જર્મન ખેલાડી ઝેવરેવ સામે જોકોવિચનો રેકોર્ડ 8-4નો અને ગ્રાન્ડસ્લેમમાં 3-0નો છે. બંને છેલ્લે મેલબોર્ન ખાતે 2021ની ક્વાર્ટર ફાઇનલમાં આમનેસામને થયા હતા જેમાં જોકોવિચે ચાર સેટનો મુકાબલો જીત્યો હતો.