દિલ્હીમાં ઠંડી-વરસાદનો ડબલ માર, અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ

December 23, 2024

દેશના વિવિધ રાજ્યોમાં અત્યારે શીતલહેર છવાઇ છે. ક્યાંક તાપમાન માઇનસમાં પહોંચતા બરફવર્ષા થઇ રહી છે તો ક્યાંક માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે આગામી દિવસોમાં દેશમાં ક્યાં કેવુ વાતાવરણ રહેશે તેને લઇને આગાહી કરવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી થોડા દિવસોમાં દિલ્હી-NCR તેમજ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં વરસાદની આગાહી કરી છે. આ તમામ રાજ્યોમાં પહેલેથી જ પ્રવર્તી રહેલી ઠંડીમાં હજુ વધારો થશે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં વરસાદ અને કોલ્ડવેવ બંને માટે એલર્ટ આપ્યું છે.

મહત્વનું છે કે પહાડોમાં હિમવર્ષાની સાથે જ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઘણા રાજ્યોનું હવામાન બગડવાનું છે. દિલ્હી-NCRમાં આકાશમાં કાળા વાદળો છે. સોમવારે સવારે પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો.