દિલ્હીમાં ફરી ભૂકંપ : 6.6ની તીવ્રતા બાદ 2.7નો આંચકો આવતા લોકોમાં ફફડાટ

March 22, 2023

દિલ્હીમાં આજે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7ની તીવ્રતા મપાઈ
નવી દિલ્હી- દિલ્હીમાં આજે બુધવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.7 મપાઈ હતી. આ ભૂકંપનું એપી સેન્ટર નવી દિલ્હીમાં જમીનથી પાંચ કિલોમીટરની ઊંડાઈએ હતું. આસપાસના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
અગાઉ ગઈકાલે મંગળવારે રાત્રે 10.19 વાગ્યે દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ધરતીકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં જમીનથી 156 કિલોમીટરની ઊંડાઈએ હતું.
મંગળવારે આવેલા ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ગભરાઈને ઘરની બહાર આવી ગયા હતા. દિલ્હી ઉપરાંત ઉત્તરાખંડ, પંજાબમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગઈકાલે જ્યાં પણ ભૂકંપ આવ્યો હતો ત્યાં લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. ગઈકાલે બેથી ત્રણ વખત આંચકા અનુભવાતા લોકો ચિંતિત બન્યા હતા.