અનિલ અંબાણી વિરૂદ્ધ ઈડીની મોટી કાર્યવાહી, 3084 કરોડની 40થી વધુ સંપત્તિ કરાઇ જપ્ત

November 03, 2025

EDએ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયેલી આશરે 3084 કરોડ રૂપિયાની સંપત્તિને અસ્થાયી રૂપથી જપ્ત કરી લીધી છે. આ કાર્યવાહી 31 ઓક્ટોબર 2025એ PMLA કાયદા હેઠળ કરવામાં આવી હતી. જે સંપત્તિઓને જપ્ત કરવામાં આવી છે જેમાં મુબંઇ બાન્દ્રા સ્થિત પાલી હિલ વાળુ ઘર અને દિલ્હીનુ રિલાયન્સ સેન્ટર છે. આ સિવાય દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ, મુંબઇ, પુણે, ઠાણે, હૈદરાબાદ, ચેન્નઇ, કાંચીપુરમ અને ઇસ્ટ ગોદાવરીમાં અનેક જમીન, ઓફિસ અને ફ્લેટને પણ જપ્ત કરવામાં આવ્યા છે.

EDની તપાસ અનુસાર, રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડ (RCFL)એ જનતા અને બેંકો પાસેથી મેળવેલા નાણાનો ખોટો ઉપયોગ કર્યો હતો. 2017 થી 2019 દરમિયાન યશ બેંકે RHFLમાં આશરે ₹2,965 કરોડ અને RCFLમાં ₹2,045 કરોડનું રોકાણ કર્યું હતું. બાદમાં આ રોકાણ ડૂબી ગયું અને બંને કંપનીઓ પર હજારો કરોડ રૂપિયાનું દેવું બાકી રહી ગયું. EDની તપાસમાં ખુલ્યું કે સેબીના નિયમોના ઉલ્લંઘન સાથે, મ્યુચ્યુઅલ ફંડ મારફતે જનતાનું નાણું આડકતરી રીતે રિલાયન્સ ગ્રુપની અન્ય કંપનીઓ સુધી પહોંચાડવામાં આવ્યું. યશ બેંક મારફતે નાણાંને ફેરવીને આ કંપનીઓમાં રોકાણ કરવામાં આવ્યું હતું.

EDના આક્ષેપો

  • કંપનીઓએ લીધેલા કોર્પોરેટ લોનને પોતાની જ ગ્રુપ કંપનીઓને મોકલી દીધા.
  • અનેક લોન યોગ્ય દસ્તાવેજો વગર, તપાસ વગર અને એક જ દિવસે મંજૂર કરવામાં આવ્યા.
  • કેટલાંક કિસ્સાઓમાં લોન સેંક્શન થવા પહેલાં જ પૈસા આપી દેવાયા.
  • અનેક ઉધાર લેનારાઓ નબળી નાણાકીય સ્થિતિ ધરાવતા હતા.
  • લોનનો ઉપયોગ જણાવેલા હેતુ માટે થયો નહોતો.
  • EDનો દાવો છે કે આ બધું યોજનાબદ્ધ રીતે કરવામાં આવ્યું હતું અને વિશાળ પાયે ફંડ ડાયવર્ઝન થયું છે.