પિતા આર્મીના રિટાયર્ડ ઓફિસર, પત્ની એરફોર્સમાં ઓફિસર...શહીદ વિંગ કમાન્ડર સ્યાલના નિધનથી ગામમાં માતમ

November 22, 2025

દુબઇ એર શોમાં પ્રેક્ટિસ દરમિયાન તેજસ ફાઇટર પ્લેન ક્રેશ થયું. જેમાં પાયલટનું મૃત્યુ થયું છે. આ પાયલટનું નામ વિંગ કમાન્ડર નામાંશ સ્યાલ છે. જેઓ હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના નાગરોટા બાગવાન વિસ્તારમાં આવેલા પટિયાલાકડ ગામના હતા. તેઓની મોતના સમાચાર સાંભળતા ગામમાં માતમ છવાયું છે. ભારતીય વાયુસેનામાં 34 વર્ષીય વિંગ કમાન્ડર સ્યાલ 19મા દુબઈ એર શોમાં પ્રેક્ટિસ દરમિયાન તેજસ ફાઇટર એરક્રાફ્ટ ઉડાડી રહ્યા હતા તે દરમિયાન વિમાન ક્રેશ થયું હતું.

વિંગ કમાન્ડર સ્યાલ હૈદરાબાદ એર બેઝ પર પોસ્ટેડ હતા. તેઓ તેમના શિસ્ત અને ઉત્તમ સેવા રેકોર્ડ માટે જાણીતા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અફસાન જે ભારતીય વાયુસેના અધિકારી પણ છે. અને તેમની પાંચ વર્ષની પુત્રી છે. સ્યાલના પિતા, જગનનાથ, એક નિવૃત્ત આર્મી ઓફિસર છે.

નિવૃત્તિ પછી જગન નાથ હિમાચલ પ્રદેશ શિક્ષણ વિભાગમાં પ્રિન્સિપાલ બન્યા. અકસ્માત સમયે તેમની માતા, બીના દેવી, તેમના પુત્ર અને પુત્રવધૂને મળવા હૈદરાબાદમાં હતી. આ આઘાતજનક ઘટનાએ કાંગરા ખીણના લોકોને સ્તબ્ધ કરી દીધા છે, છતાં તેઓ તેમના બહાદુર પુત્ર પર ગર્વ અનુભવે છે.