વિમાન બનાવતી કંપની બોઈંગ ફ્રોડનાં આરોપમાં દોષિત જાહેર : 4,000 કરોડનો દંડ ભરવા તૈયાર

July 09, 2024

અમેરિકાની વિમાન બનાવતી કંપની બોઇંગને ફ્રોડનાં આરોપમાં દોષિત ઠરાવવામાં આવી છે. અમેરિકાનાં ન્યાય વિભાગ (DoJ)એ ઠરાવ્યું હતું કે બોઇંગ દ્વારા 2018-2019માં બે વિમાન ક્રેશ થયા હોવા છતાં કંપનીએ તેની ખામીઓ સુધારવા આપેલી ડીલનો ભંગ કર્યો હતો.

બોઇંગ તેની ખામીઓ નહીં સુધારવા અને ફ્રોડ કરવા બદલ 243.6 મિલિયન ડૉલર એટલે કે આશરે રૂ. 4,000 કરોડનો દંડ ભરવા પણ સંમત થઈ છે. કંપનીએ આગામી 3 વર્ષ સુધી વિમાનોની સેફ્ટી પાછળ રૂ.4,000 કરોડનો ખર્ચ કરવા સંમતિ દર્શાવી છે.

બોઇંગ કંપનીનાં બે વિમાનો 737 MAX 2018 અને 2019માં પાંચ મહિનાનાં ગાળામાં ઇન્ડોનેશિયા અને ઇથિયોપિયા ખાતે ક્રેશ થયા હતા, જેમાં 346 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો હતો. બોઇંગ સેફ્ટી ફ્રોડ કેસમાં દોષિત ઠરતા તેને અમેરિકાના સંરક્ષણ વિભાગ પાસેથી તેમજ નાસા પસેથી સરકારી ઓર્ડર્સ મળવા સામે ખતરો સર્જાઈ શકે છે.

જોકે બોઇંગ આ કિસ્સામાં કેટલીક રાહત મેળવવા સરકારને અરજી કરી શકે છે. મે મહિનામાં ન્યાય વિભાગ દ્વારા કંપનીની ઘાતક દુર્ઘટના સાથે જોડાયેલા 2021ની સમજૂતીનો ભંગ કરાયો હતો. આ પછી બોઇંગ સામે ક્રિમિનલ કેસ પણ ચલાવી શકાય છે.