ગુજરાતમાં ટુરિસ્ટ પ્રવૃત્તિ માટે 26 ટાપુઓ શોધી કાઢયા, મિટિંગ થઇ, પરિણામ શૂન્ય

September 15, 2023

સરકારે બેટ દ્વારકામાં 60.52 લાખ અને શિયાળ-સવાઇમાં 4.84 લાખનો ખર્ચ કર્યો
દ્વારકા- ગુજરાતમાં 26 આઇલેન્ડનો વિકાસ કરવા માટે કેન્દ્ર સરકારે માર્ગદર્શન આપ્યું છે પરંતુ રાજ્ય સરકારે બેટ દ્વારકા અને શિયાળ એમ બે ટાપુઓમાં કામગીરી શરૂ કરી છે, બાકીના ટાપુઓનો વિકાસ થંભી ગયો છે, જેના કારણે ટુરિસ્ટ પ્રવૃત્તિ વિકસાવવાની યોજના પર બ્રેક લાગી ગઇ છે.

વિધાનસભામાં આઇલેન્ડના વિકાસ માટે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા બેટ દ્વારકા, શિયાળ-સવાઇ અને પિરોટન ટાપુને વિકસાવવાનું નક્કી કર્યું છે. આ ત્રણ પૈકી બેટ દ્વારકામાં 60.52 લાખ અને શિયાળ-સવાઇ ટાપુ પાછળ પ્રવાસન વિભાગે અત્યાર સુધીમાં 4.84 લાખનો ખર્ચ કર્યો છે.
રાજ્યમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવા 26 એવા ટાપુઓ શોધી કાઢવામાં આવ્યા છે કે જ્યાં પ્રવાસન પ્રવૃત્તિ ખિલી ઉઠે તેમ છે. આ માટે કેટલાક અધિકારીઓ અન્ય દેશોમાં પ્રવાસ પણ કરી આવ્યા છે. સરકારના પ્રવાસન વિભાગે અનેક મિટીંગો કરી છે પરંતુ આ ટાપુઓના વિકાસનો મેળ પડતો નથી. છેલ્લા સાત વર્ષથી ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોર્ડ માત્ર મિટીંગો આયોજિત કરી ચૂક્યું છે.

ગુજરાતને 1640 કિલોમીટરનો લાંબો દરિયાકિનારો મળ્યો છે, જ્યાં વિવિધ એજન્સીઓએ નાના-મોટા 144થી વધુ આઇલેન્ડ શોધી કાઢયા હતા જે પૈકી પ્રથમ તબક્કે 10 થી 12 આઇલેન્ડનો વિકાસ કરવા માટે કેન્દ્રની સૂચના મળી હતી. 2015-16ના રાજ્યના બજેટમાં સૌ પ્રથમવાર વૈધાનિક સંસ્થાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જો કે કેન્દ્રના આદેશ પછી સરકારે 18 એવા ટાપુઓની શોધ કરી હતી કે જે નિર્જન છે અને ત્યાં ટુરિસ્ટ એક્ટિવિટી શરૂ કરી શકાય તેમ છે.


રાજ્યના 50 હેક્ટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા આઇલેન્ડને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની સંભાવના અંગે ભૂતકાળમાં ઘણી ચર્ચાઓ થઇ છે. જીઆઇડીબી સતત મિટિંગો કરી રહ્યું છે. સરકાર પણ એક મિટિંગ પત્યા પછી આઇલેન્ડના વિકાસના વાયદા કરે છે પરંતુ ફાઇલમાંથી તે પ્રોજેક્ટ બહાર આવી શકતો નથી. મહત્વની બાબત તો એવી છે કે આઇલેન્ડના વિકાસ માટે રાજ્ય સરકારે ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે જેની અલગ અલગ સમયે બેઠકો પણ થઇ ચૂકી છે. આ બેઠકોમાં જિલ્લા કલેકટરો દ્વારા પિરોટન, કાળુભાર, ગાંધીયાકડો, પાનેરો, રોજી, અજાડ, ભાઇદર, શિયાળબેટ, નોરા, પિરમ, વાલવોડ અને આલિયા બેટ તેમજ કેડીયા બેટ જેવા કેટલાક ટાપૂઓની વિકાસ સંભાવનાઓ વાળા આઇલેન્ડ તરીકે ઓળખ કરવામાં આવી છે. આ બધા આઇલેન્ડનો ડ્રોન ટેકનોલોજી દ્વારા મરિન પોલીસ અને કોસ્ટગાર્ડની સહાયથી સર્વે પણ હાથ ધરવામાં આવેલો છે.