કાંચીપુરમમાં ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ બાદ ભીષણ આગ, 9ના મોત, 12 ઈજાગ્રસ્ત

March 22, 2023

કર્મચારીઓ ફટાકડા બનાવવાનું તેમજ સ્ટોર કરવાનું કામ કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો


કાંચીપુરમ- તામિલનાડુના કાંચીપુરમમાં બુધવારે ફટાકડા બનાવતી ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટની ઘટના સામે આવી છે. આ ઘટનામાં નવ કર્મચારીઓના મોત થયા છે અને 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે જણાવ્યું કે જ્યારે, કર્મચારીઓ ફટાકડા બનાવવાનું તેમજ સ્ટોર કરવાનું કામ કરી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ બાદ ભીષણ આગ લાગી હતી. આગમાં 9ના મોત થયા હતા અને 12 ઈજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટને કારણે મેન્યુફેક્ચરિંગ અને સ્ટોરેજ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ છે.


તેમણે જણાવ્યું કે, અકસ્માતના કારણની તપાસ કરાઈ રહી છે. તેમણે જણાવ્યું કે, ઈજાગ્રસ્તોને અહીંની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફટાકડાની ફેક્ટરીમાં આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. 


અહીં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન લગભગ 27 લોકોને બચાવીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાથી વાકેફ લોકોએ જણાવ્યું કે, અકસ્માતમાં કેટલાક લોકો દાઝી ગયા હતા, જેમને બચાવી શકાયા ન હતા. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ કેવી રીતે લાગી તે અંગેની માહિતી બહાર આવી શકી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.