પાંચ દાયકા બાદ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ખૂલ્યો:અમદાવાદમાં જ્યારે વૃદ્ધાની હત્યા કરી ત્યારે આરોપી 26 વર્ષનો હતો, 76 વર્ષનો થયો ત્યારે ઝડપાયો

December 07, 2022

અમદાવાદ : ગુનેગાર ગમે એટલો શાતીર કેમ ન હોય, પણ કાયદાથી બચી શકતો નથી. પોલીસ પાતાળમાંથી પણ શોધી કાઢે છે. આ વાતને પોલીસે સાચી સાબિત કરી છે અને 49 વર્ષે હત્યાના આરોપીને પકડી પાડ્યો છે. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં 49 વર્ષ પહેલાં 26 વર્ષના યુવાને એક સિનિયર સિટિઝન એવા વૃદ્ધાની હત્યા કરી હતી. ત્યાર બાદ તેના ઘરમાંથી વાસણો ચોરીને ભાગી ગયો હતો. એ પછી તેણે ઘણી નાની-મોટી ચોરી કરી, પણ પોલીસના હાથે ના ચડ્યો, પરંતુ આ વખતે વિધાનસભા 2022ની ચૂંટણી વખતે 49 વર્ષ પહેલાં થયેલી હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ થઈ છે. 26 વર્ષે હત્યા કરનાર આરોપી અત્યારે 76 વર્ષનો થઈ ગયો છે. આ સમગ્ર મામલે હાલ તો પોલીસે આરોપી પાસે 49 વર્ષના હિસાબકિતાબ શોધવાનો શરૂઆત કરી છે.

કોઈ ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે એવી ઘટના અમદાવાદ શહેરમાં બની છે. અમદાવાદ પોલીસે મહારાષ્ટ્રથી એક આરોપી સીતારામની ધરપકડ કરી છે. આરોપી વોન્ટેડ હતો, જેને શોધવા માટે અમદાવાદ પોલીસ મહારાષ્ટ્ર ગઈ હતી. આરોપી એકાદ વર્ષ નહીં, પણ 49 વર્ષથી વોન્ટેડ હતો અને અત્યારસુધી આરોપી ન પકડાઈ શકવા પાછળ પણ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે, પરંતુ હાલ આરોપી વિધાનસભા 2022ની ચૂંટણીને કારણે ઝડપાયો છે એવું કહીએ તો નવાઈ નહીં, કારણ કે આ વખતે રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ કડક સૂચના આપી હતી કે કોઈપણ વોન્ટેડ આરોપી ગમે તેટલો જૂનો હોય, તેને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે.