પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યારાએ એમના જ નામે બનેલી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

February 28, 2024

પૂર્વ વડાપ્રધાન દિવંગત રાજીવ ગાંધીનો હત્યારો સંથાન મૃત્યુ પામી ગયો છે. બીમારીની સારવાર દરમિયાન તે મૃત્યુ પામ્યો હતો. જોકે રસપ્રદ વાત એ છે કે સંથાનનું મોત પૂર્વ દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીના નામે જ નિર્માણ પામેલી ચેન્નઈની સરકારી હોસ્પિટલમાં થયું હતું. રાજીવ ગાંધીની હત્યા સંથાને જ કરી હતી. તેણે આ હત્યાકાંડ મામલે દોષિત ઠેરવાયો હતો પણ પછીથી તે મુક્ત થઇ ગયો હતો. 55 વર્ષીય સંથાનને જાન્યુઆરીમાં લીવર ફેલ થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જ્યાં તે અનુક બીમારીઓથી પીડાતો હોવાથી સારવાર લઈ રહ્યો હતો. હોસ્પિટલના ડીન ડૉ. ઇ થેરાનીરાજને જણાવ્યું હતું કે સંથાનને દાખલ કરવામાં આવ્યા ત્યારથી તેની સ્થિતિ નાજુક હતી. આ પછી, તેમની બિમારીના કારણે, આજે સવારે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. ડૉક્ટરે વધુમાં જણાવ્યું હતું કે કાર્ડિયાક અરેસ્ટ પછી, શરૂઆતમાં એવું લાગતું હતું કે તે સ્વસ્થ થઈ જશે, પરંતુ તેને બચાવી શકાયો નહીં. રાજીવ ગાંધી હત્યા કેસમાં સંથાનને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી, જે બાદમાં આજીવન કેદમાં ફેરવાઈ હતી. આટલું જ નહીં નવેમ્બર 2022માં જ સંથાન સહિત અન્ય 5 હત્યારાઓને પણ મુક્ત કરવામાં આવ્યા હતા. આ તમામ લોકોએ લગભગ 32 વર્ષની જેલની સજા ભોગવી હતી.
આ લોકોને મુક્ત થયા બાદ પણ ત્રિચીની સેન્ટ્રલ જેલના સ્પેશિયલ કેમ્પસમાં રાખવામાં આવ્યા હતા. આ પાછળનું કારણ એ હતું કે તેઓ મૂળ શ્રીલંકાના નાગરિક હતા અને તેમની પાસે ન તો પાસપોર્ટ હતો કે ન તો મુસાફરીના કોઈ દસ્તાવેજો હતા. સંથાને મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી હતી કે તેને શ્રીલંકા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે કારણ કે તે તેની વૃદ્ધ માતાને મળવા માંગતો હતો. જો કે, આ અંગે કોઈ નિર્ણય લેવાય તે પહેલા જ સંથાનનું લાંબી માંદગી બાદ મૃત્યુ થયું હતું.