મુંબઇનું સૌથી ધનિક ગણેશ પંડાલ, 474 કરોડની વીમા પોલિસી કરાવી સર્જ્યો રેકોર્ડ

August 21, 2025

મુંબઈ : મુંબઈના સૌથી ધનિક ગણેશ પંડાલ જીએસબી સેવા મંડળ, કિંગ્સ સર્કલે આ વર્ષે રેકોર્ડ 474.46 કરોડ રૂપિયાનો વીમો કરાવ્યો છે. જ્યારે ગત વર્ષની પોલિસી 400 કરોડ રૂપિયાની હતી. આ વધારો સોના અને ચાંદીની વસ્તુઓની વધતી કિંમતો અને વધુ સ્વયંસેવકો અને પૂજારીઓની ભરતીના કારણે થયો છે.

મંડળે Non-Disclosure કરારનો હવાલો આપતા પ્રીમિયમ રકમનો ખુલાસો નથી કર્યો. ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ દ્વારા આપવામાં આવેલી વીમા પોલિસીમાં સોના-ચાંદીની વસતુઓ, વ્યક્તિગત દુર્ઘટના કવર, આગ અને ભૂકંપ જેવા અન્ય જોખમો અને જાહેર જવાબદારીનો સામેલ છે. 474 કરોડ રૂપિયાની ઓલ-રિસ્ક વીમા પોલિસી, જેમાં સોના, ચાંદી અને રત્નો સામેલ છે, તેની કિંમત 67 કરોડ રૂપિયા છે, જે 2024માં 43 કરોડ રૂપિયા અને 2023માં 38 કરોડ રૂપિયા હતી. સૌથી વધુ 375 કરોડ રૂપિયા વ્યક્તિગત દુર્ઘટના વીમા માટે છે અને તેમાં સ્વયંસેવકો, પૂજારીઓ, રસોઈયાઓ, સેવકો અને સુરક્ષા ગાર્ડોને કવર કરવામાં આવ્યા છે. 

ભૂકંપ સહિત પ્રમાણભૂત આગ અને વિશેષ જોખમ કવર રૂ. 2 કરોડ છે, જે છેલ્લા વર્ષોથી બદલાયું નથી. પંડાલો, સ્ટેડિયમ અને ભક્તો માટે 30 કરોડ રૂપિયાનો જાહેર જવાબદારી વીમો છે. આયોજન સ્થળ પરિસર માટે પ્રમાણભૂત આગ અને ખાસ જોખમ કવર માટે 43 લાખ રૂપિયા સામેલ છે. GSB સેવા મંડળના અધ્યક્ષ અમિત પઈએ જણાવ્યું કે, 'સોના અને ચાંદીના ભાવમાં વધારો આ વધેલી રકમ માટે જવાબદાર છે. સ્વયંસેવકો અને પૂજારીઓને પણ આમાં સામેલ કરવામાં આવ્યા છે.' 

2024ના ગણેશોત્સવમાં મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 77,000 રૂપિયા હતો. હાલમાં ભાવ વધીને 1,02,000 રૂપિયા થઈ ગયો છે. જીએસબીના દેવતાને 66 કિલો સોનાના આભૂષણો અને 336 કિલો ચાંદીથી શણગારવામાં આવ્યા છે. જીએસબી 27થી 31 ઓગસ્ટ સુધી તેનો પાંચ દિવસનો ગણેશોત્સવનું આયોજન કરશે. આ વર્ષે મંડળે પ્રવેશ વ્યવસ્થામાં ફેરફાર કર્યા છે અને પૂજા દાતાઓ માટે પ્રવેશની વ્યવસ્થા વધારી દીધી છે. પઈએ જણાવ્યું કે, અમે ભીડ વ્યવસ્થાપન માટે એક અલગ એજન્સીની નિમણૂક કરી છે.