ગોઝારો શનિવાર: રાજ્યમાં વિવિધ અકસ્માતમાં 5 લોકોના મોત થયા

February 03, 2024

રાજ્યમાં શનિવાર ગોઝારો સાબિત થયો છે. જેમાં અલગ અલગ ત્રણ ઘટના સામે આવી છે, જેમાં 5 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં લીંબડી બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 2ના મોત થયા છે. જ્યારે આણંદ આંકલાવ નજીક ટેન્કર અને પીકઅપના અકસ્માતમાં 2 ના મોત થયા છે. જ્યારે બનાસકાંઠામાં સ્કુલ બસની ટક્કરના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.

આણંદમાં આંકલાવના મુજકુવા પાસે ટેન્કર અને પીકઅપ વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. જેમાં એક કેમિકલ ભરેલ ટેન્કર અને પીકઅપ ડાલુ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પીકઅપ ડાલુમાં સવાર 2 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમજ પીકઅપ ડાલુનો આગળનો ભાગ લોચો થઈ ગયો છે. આ ઘટનાની જાણ થતાં આંકલાવ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

આ તરફ બનાસકાંઠામાં સ્કુલ બસની ટક્કરના કારણે 1 નું મોત થયું છે. જેમાં વડગામમાં સ્કુલ બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં અભુભાઈ ઠાકોર વડગામથી કરિયાણું લઈ પોતાના ઘર તરફ જતા હતા તે દરમિયાન સ્કૂલના બસના ચાલકે ટક્કર મારતા મોત નીપજ્યું છે. દુ:ખદ વાત એ છેકે, 22 દિવસ પછી ઘરે લગ્ન હોવાથી પિતાનું મોત થતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

જ્યારે અન્ય એક અકસ્માતમાં અમદાવાદ-રાજકોટ હાઇવે પર બગોદરા નજીક આવેલા જનશાળી ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. સિક્સ લેન રસ્તાનું કામ ચાલુ હોવાથી રસ્તો વન - વે હતો. જેના કારણે બંધ પડેલા પથ્થર ભરેલા ડમ્પર પાછળ ખાનગી લક્ઝરી બસ ઘુસી જતા બે લોકોના મોત થયા હતા જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા.